રાહુલના બાપ-દાદા સૂટ-બૂટ પહેરતા હતાઃ વૈંકેયા નાયડુ

બેંગ્લુરુ : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કરેલી સૂટ બૂટની ટિપ્પણીની ટીકા કરતાં કેન્દ્રીય મંત્રી વૈંકેયા નાયડુએ તેને અપરિપકવ ગણાવી હતી અને આક્ષેપ કર્યો હતો કે સમાચારોમાં રહેવા માટે તેઓ વડાપ્રધાનનું નામ લે છે. નાયડુએ રાહુલ પર વળતો પ્રહાર કરતાં કહ્યું કે રાહુલના પરદાદા જવાહરલાલ નેહરુ અને પિતા રાજીવ ગાંધી પણ સૂટ બૂટ પોષાક પહેરતા હતાં. નાયડુએ પ્રશ્ન કર્યો હતો કે હવે તેઓ સૂટ બૂટ (ની સરકાર) વિશે વાત કરે છે. તેમના પરદાદાને ભૂલી ગયા કે જે સૂટ બૂટ પહેરતા હતા, પોતાના પિતાને ભૂલી ગયા જે સૂટ બૂટ પહેરતા હતા.

શું તમે તમારા દાદા અને પિતાની ટીકા કરી રહ્યા છો, તેમની મજાક ઉડાવી રહ્યા છો. બિહારમાં ચૂંટણી સભામાં સૂટ બૂટની ટિપ્પણી બદલ કોંગ્રેસ નેતા પર પ્રહાર કરતાં નાયડૂએ કહ્યું મહેરબાની કરીને બોલતાં પહેલાં વિચારો. તમે જે બોલો તેમાં પરિપકવતા હોવી જોઈએ. દેશના વડાપ્રધાન સામે આ પ્રકારની ટિપ્પણી અને તે પણ અંગત પોશાક પર એવો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે મને ખબર નથી કે કોણ તેમની સ્કીપ્ટ લખી રહ્યું છે, કોણ તેમના માટે ભાષણ લખી રહ્યું છે, પરંતુ તેઓ તેમને ગેરમાર્ગે દોરી રહ્યાં છે.

એક પત્રકાર દ્વારા આ મુદ્દે વારંવાર પ્રશ્ન પૂછાતાં નાયડુએ કહ્યું કે અમારે તેમના પર ધ્યાન આપવાની જરૂર નથી. તેઓ વડાપ્રધાનનું નામ લેવાની કોશિશ કરે છે જેથી તેઓ સમાચારોમાં છવાયેલાં રહે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ કહી રહ્યા છે કે તે એક ઈંચ પણ જમીનનું સંપાદન કરવાની પરવાનગી નહીં આપે તેવો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે મિસ્ટર રાહુલ ગાંધી માટે એક ઈંચનું માપ કેટલું છે તેવું તે જાણવા માગે છે.

You might also like