રાહુલના પુત્ર સમિત દ્રવિડે ૭૭ રન બનાવી ટીમને જીત અપાવી

નવી દિલ્હીઃ ગોપાલન ક્રિકેટ ચેલેન્જ કપમાં પોતાની સ્કૂલ ટીમ તરફથી રમતા રાહુલ દ્રવિડના મોટા પુત્ર સમિત (નવ વર્ષ)એ ૭૭ રનની તોફાની ઈંનિંગ્સ રમતા પોતાની ટીમને અંડર-૧૨ મેચમાં જીત અપાવી. માલ્યા અદિતી ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી ટોપ સ્કોરર જોહાનન સાથે બેટિંગ કરતા સમિતે અણનમ ૭૭ રન બનાવીને ન્યૂ હોરિઝન પબ્લિક સ્કૂલને મેચમાં પાછા ફરવાનો મોકો જ આપ્યો નહોતો. સમિતે જોહાનન સાથે મળીને ફક્ત ૧૬ ઓવરમાં ૨૧૦ રન ઝૂડી કાઢી હરીફ ટીમને બેકફૂટ પર લાવી દીધી હતી, જેના જવાબમાં વિરોધી ટીમ ફક્ત ૯૬ રન જ બનાવી શકી અને માલ્યા અદિતી ટીમે ૧૧૪ રનના મોટા અંતરથી મુકાબલો જીતી લીધો હતો.રાહુલ દ્રવિડનો પુત્ર સમિતે પોતાના નાના ભાઈ અન્વય સાથે આઇપીએલ દરમિયાન કેટલાક મોટા ખેલાડીઓ પાસેથી ટિપ્સ લેતો નજરે પડ્યો હતો, જેમાંનો એક ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન સ્મિથ પણ હતો.  સમિત આ મહિને ૧૦ વર્ષનો થઈ જશે અને જો આવનારા દિવસોમાં તે પોતાની રમતમાં નિખાર લાવશે તો બની શકે છે કે તે પણ પોતાના પિતાની જેમ ટીમ ઇન્ડિયાની જર્સીમાં નાની ઉંમરે નજરે પડશે. રાહુલ દ્રવિડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૪,૦૦૦ રનથી વધુ રન બનાવ્યા છે, જેમાં તેણે ૪૮ સદી પણ ફટકારી છે.
You might also like