રાષ્ટ્રને જંગી નુકસાન કરતી હડતાળ કેટલે અંશે યોગ્ય?

થોડા દિવસ પહેલાં ટ્રેડ યુનિયનોની હડતાળને અપેક્ષા કરતાં વધુ સમર્થન પ્રાપ્ત થયું હતું. ટ્રેડ યુનિયનોના દાવા મુજબ ૧પ કરોડ કરતાં વધુ સભ્યોએ હડતાળમાં ભાગ લીધો હતો. સરકારી બેન્કોની કામગીરી ઠપ થઇ ગઇ હતી. પરિવહન સેવાઓ પણ ખોરવાઇ ગઇ હતી. દિલ્હીની સડકો પર ઓટો રિક્ષા અને ટેકસીઓએ ચક્કાજામ કરી દીધો હતો. આ ઉપરાંત ઉદ્યોગો, કન્સ્ટ્રકશન,  કોલસા અને અન્ય ખાણોમાં પણ કામકાજ ઠપ થઇ ગયું હતું. અનેક સ્થળોએ ટ્રેનો રોકવામાં આવી હતી. કેટલાંક શહેરોમાં સંપૂર્ણ બંધ જેવો માહોલ હતો. કેન્દ્રીય ટ્રેડ યુનિયનોની રાષ્ટ્રવ્યાપી હડતાળથી અર્થતંત્રને રૂ.રપ,૦૦૦ કરોડનું જંગી નુકસાન થયાનો અંદાજ છે. આ આંકડા એસોસિયેટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા (એસોચેમ)એ રજૂ કર્યા છે. એસોચેમના મહામંત્રી જી. એસ. રાવતે જણાવ્યું હતું કે આવશ્યક સેવાઓ પ્રભાવિત થવાથી અર્થતંત્રને રૂ.રપ,૦૦૦ કરોડનું જંગી નુકસાન થયાનો અંદાજ છે.

મજૂરો અને કામદારોની ગેરહાજરીના કારણે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ઠપ થઇ ગઇ હતી. આ ઉપરાંત જાહેર પરિવહન સેવા પ્રભાવિત થવાથી રિટેલ માર્કેટમાં પણ આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાને ગંભીર અસર પહોંચી હતી અને બેન્ક કર્મચારીઓની હડતાળના કારણે કરોડો રૂપિયાના ચેકોનું કિલયરિંગ અટવાઇ ગયું હતું.

શ્રમ કાનૂનમાં સુધારાના પ્રસ્તાવ વિરુદ્ધ ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનની હડતાળથી આવશ્યક સેવા પ્રભાવિત થઈ હતી ઉત્તરાખંડમાં હડતાળને લઈને હરિદ્વાર સ્થિત ભેલના પ્લાન્ટમાં હંગામો અને મારપીટની ઘટના બની હતી તેમજ દેશના ૧૦ મુખ્ય ટ્રેડ યુનિયનની રાષ્ટ્રવ્યાપી હડતાળની અસર દિલ્હીમાં વર્તાઇ હતી. ટ્રેડ યુનિયનોની હડતાળમાંં દિલ્હીની ૯૦,૦૦૦ ઓટોરિક્ષા અને ટેક્સી પણ જોડાયા હતા. આ હડતાળમાં ૧૫ કરોડ કરતાં વધુ કર્મચારી જોડાયા હતા. તેલંગણા, આંધ્ર પ્રદેશ, યુપી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ દરેક જગ્યાએ હડતાળની અસર જોવા મળી હતી. બસ, બજાર અને ટેક્સી સેવા સવારથી જ બંધ રહી હતી. કેટલીક જગ્યાએ ટ્રેન રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હડતાળમાં બેન્ક અને વીમા કંપનીના કર્મચારીઓ પણ જોડાયા હતા. આ કારણે ઠેર ઠેર ચક્કાજામ જેવાં દૃશ્યો જોવા મળ્યા હતા.

૧૦ યુનિયનનો દાવો છે કે સરકારી અને ખાનગી ક્ષેત્રમાં તેમના સભ્યની સંખ્યા ૧૫ કરોડ છે. આમાં બેન્ક અને વીમા કંપનીનો પણ સમાવેશ થાય છે. પ્રધાનોનાં જૂથ સાથેની બેઠકનું કોઈ સકારાત્મક નહીં આવતાં યુનિયન હડતાળ પર ઊતરી ગયું હતું. હડતાળથી પરિવહન, જાહેર સાહસો, કોલસા, ખનન ઉદ્યોગ, વીજળી, ઓઈલ અને ગેસ પુરવઠો, બંદર, બેન્ક, વીમા અને પોસ્ટ સેવા પ્રભાવિત થયા હતા. સરકારની શ્રમ નીતિની વિરોધમાં પોતાની ૧ર મુદ્દાની માગણીને લઈને કોંગ્રેસ અને ડાબેરી સમર્થિત ટ્રેડ યુનિયનો દ્વારા હડતાળનું એલાન અપાયું હતું.

ટ્રેડ યુનિયનોની માગણી હતી કે શ્રમ કાયદા અને શ્રમિક તેમજ કર્મચારી વિરોધી સુધારા પાછા ખેંચવામાં આવે, સરકારી સાહસોનું ડિસઈન્વેસ્ટમેન્ટ અને ખાનગીકરણ બંધ કરવામાં આવે, પ્રતિ માસ લઘુતમ વેતન રૂ. ૧૫,૦૦૦ નિર્ધારિત કરવામાં આવે, કામદારો રાખવા માટે કોન્ટ્રેક્ટ સિસ્ટમ નાબૂદ કરવામાં આવે, ર૦૧૬ની જાન્યુઆરીથી સાતમા પગાર પંચનો અમલ કરવામાં આવે તેમજ મોંધવારી પર અંકુશ મૂકવામાં આવે.

હડતાળની અપીલ કરનારા દસ ટ્રેડ યુનિયનો તેમની હડતાળને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદથી ઘણા ખુશ થઇ ગયા હતા. જોકે દેશનું સૌથી મોટું ટ્રેડ યુનિયન ભારતીય મજદૂર સંઘ હડતાળના આયોજનથી હટી ગયું હતું. નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયને આ હડતાળથી પોતાને અળગું કરી દીધું હતું. આ બંને યુનિયનોનું કહેવું હતું કે જે માગણીઓ રજૂ કરવામાં આવી છે તેને પૂરી કરવા માટે એનડીએ સરકારને વધુ સમય આપવો જોઇએ.

લઘુતમ વેતન વધારવાના મુદ્દે સરકારે પહેલ કરીને મજૂરોની જરૂરિયાત પ્રત્યે સકારાત્મક વલણ અપનાવ્યું છે અને તેથી ટકરાવનો રસ્તો અપનાવવો જોઇએ નહીં, પરંતુ વિરોધ પક્ષો સાથે સંકળાયેલ ટ્રેડ યુનિયનો હડતાળ પર જવા અડગ રહ્યા હતા અને તેને કારણે દેશના ઉત્પાદન અને નાણાકીય ક્ષેત્રનું કામકાજ પ્રભાવિત થયું હતું. યુનિયનો કોઇ પણ હિસાબે જાહેર સાહસોનું ખાનગીકરણ રોકવા માગે છે. સાથે સાથે શ્રમ સુધારાને પણ બ્રેક મારવા માગે છે. તેમની માગણી ભલે ગમે તે હોય, પરંતુ તેના કારણે દેશને નુકસાન થયું છે તે હકીકત છે. 

You might also like