રાયપુરના મોલમાં તોડફોડ-આતંક મચાવી કર્મચારી-ગાર્ડને માર માર્યો

અમદાવાદઃ અમદાવાદ શહેર હવે અસલામત બનતું નજરે પડે છે. ઉત્તરપ્રદેશ અને બિહારની જેમ જાહેરમાં ખુલ્લેઆમ હથિયારો સાથે લુખ્ખાગીરી અને તોડફોડના બનાવો વધી રહ્યા છે. ઉપરાંત ચાર દિવસમાં બે હત્યાના બનાવો પણ શહેરમાં બની ચૂક્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ગૂંડા તત્ત્વોને જાણે પોલીસનો કોઇ ડર ન હોય તેમ બેફામ બની તોડફોડ કરી ફરાર થઇ જાય છે. ગત રાત્રે રાયપુર વિસ્તારમાં બિગબજાર મોલમાં પાણી પીવાની બાબતે મેકડોનાલ્ડ રેસ્ટોરાંમાં પાંચ છ યુવાનોએ રેસ્ટોરાંના કર્મચારી અને સિક્યોરિટી ગાર્ડને માર મારી રેસ્ટોરાંમાં તોડફોડ મચાવી હતી. આ અંગે રેસ્ટોરાંના મેનેજરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

શહેરમાં હવે દરરોજ જાહેરમાં તલવારો, પાઇપો અને લાકડીઓ લઇ મારામારીના બનાવો વધી રહ્યા છે. પૂર્વ વિસ્તારના આસ્ટોડિયા, રાયપુર, શાહીબાગ, રામોલ અને અમરાઇવાડીમાં છેલ્લા ચારથી પાંચ દિવસમાં રાયોટિંગના બનાવો બન્યા છે. સામાન્ય તકરારમાં બે જૂથો સામસામે તલવારો જેવા હથિયારો લઇ હુમલા કરી માલ મિલકતને નુકસાન કરી ફરાર થઇ જાય છે.

રાયપુરના ટેન એકર્સ મોલમાં આવેલા મેકડોનાલ્ડ રેસ્ટોરાંમાં પીયૂષ નામનો યુવક પાણી પીવા આવ્યો હતો, જેથી રેસ્ટોરાંના કર્મચારીએ યુવકને પાર્ટી એરિયામાં પાણી પીવા જવા કહ્યું, જેથી યુવકે ઉશ્કરાઇ ગાળાગાળી કરી હતી. ત્યાર બાદ તેની સાથેના પાંચેક યુવાનો રેસ્ટોરાંમાં આવી સિગારેટ પીવા લાગ્યા હતા, જેથી રેસ્ટોરાંના સ્ટાફ અને સિક્યોરિટી ગાર્ડે ના પાડતાં તમામ યુવાનો ઉશ્કેરાઇ અને સ્ટાફ અને ગાર્ડને માર માર્યો હતો અને રેસ્ટોરાંમાં તોડફોડ કરી ફરાર થઇ ગયા હતા. બનાવ બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મેનેજરની ફરિયાદ લઇ અને આરોપીઓને ઝડપવા કવાયત શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં લુખ્ખાગીરીના બનાવોમાં સતત વધારો થાય છે, જેમાં પૂર્વ વિસ્તારમાં પોલીસનો કોઇ કોઇ તત્ત્વોને ડર ન હોય તેમ લાગી રહ્યું છે. શહેરના દાણીલીમડા અને નરોડા વિસ્તારમાં પણ હત્યાના બનાવો પણ બનવા પામ્યા છે. 

હજુ સુધી પોલીસ આરોપીઓને ઝડપવામાં નિષ્ફળ સાબિત થઇ છે. શહેર ક્રાઇમ બ્રાંચ પણ હત્યા તેમજ મોટી ઘરફોડ ચોરી તેમજ નજર ચૂકવી ચોરીના બનાવોમાં આરોપીઓને ઝડપવામાં સફળ સાબિત થઇ રહી નથી.

You might also like