રાત્રે ચેન્નઇ મેંગલોર એકસપ્રેસ પાટા પરથી ઊથલી પડતાં ૩૪ યાત્રી ઘાયલ

ચેન્નાઇઃ તામિલનાડુમાં વૃદ્ધાચલમની નજીક પુવાનુરમાં કડાલોર પાસે મોડી રાત્રે ર-૦૦ વાગ્યે ચેન્નઇ મેંગલોર એકસપ્રેસ પાટા પરથી ઊથલી પડતાં સર્જાયેલી દુર્ઘટનામાં ૩૪ રેલવે પ્રવાસીઓ ઘાયલ થયા છે જેમાં ઓછામાં ઓછી રપ મહિલાનો સમાવેશ થાય છે.

આ દુર્ઘટના મોડી રાત્રે ર-૦૦ વાગ્યાની આસપાસ સર્જાઇ હતી કે જ્યારે ટ્રેનના મોટા ભાગના પ્રવાસીઓ મીઠી નીંદર માણી રહ્યા હતા. આ અકસ્માતનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. આ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઊથલી પડયા હતા. ટ્રેન નં.૧૬૮પ૯ ચેન્નઇ-મેંગલોર એકસપ્રેસનેે અકસ્માત નડતાં ઘાયલ થયેલા પ્રવાસીઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

આ અકસ્માતમાં ઘાયલ થયેલા પ્રવાસીઓના ખબર-અંતર પૂછવા કડલોરના કલેકટર એસ. સુરેશકુમાર હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. સવાર સુધીમાં પાટા પરથી ઊથલી પડેલા આ ટ્રેનના બંને ડબ્બાને હટાવી લેવામાં આવ્યા હતા અને ટ્રેન વ્યવહાર ફરીથી ચાલુ થઇ ગયો હતો. પોલીસે કોઇ ભાંગફોડના કારણે આ અકસ્માત થયો હોવાની આશંકાને ફગાવી દીધી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ગઇ કાલે જયપુર જંકશન ખાતે પણ જયપુર-ચેન્નઇ એકસપ્રેસનું એન્જિન અને બે ડબા પાટા પરથી ઊતરી ગયા હતા. જોકે ટ્રેનની ગતિ ધીમી હોવાના કારણે કોઇ યાત્રીને ઇજા પહોંચી નહોતી અને મોટી દુર્ઘટના નિવારાઇ હતી.

 

You might also like