રાણી લક્ષ્મીબાઈનું પાત્ર ભજવવું છે તબુને

તાજેતરમાં તબુએ લાંબા સમય બાદ ‘દૃશ્યમ્’ ફિલ્મ કરી. અા ફિલ્મમાં તેનું પાત્ર ખૂબ જ વખણાયું, જોકે તે તબુનો ડ્રીમ રોલ નથી, તબુનો ડ્રીમ રોલ છે રાણી  લક્ષ્મીબાઈ બનવું. તે કહે છે કે હું ઘણા વખતથી રાણી લક્ષ્મીબાઈનું પાત્ર ભજવવા ઈચ્છું છું, તે મારું ખૂબ જ પસંદગીનું પાત્ર છે. હું તેને પરદા પર ભજવવાની દિલથી ઈચ્છા રાખું છું.  તબુએ અજય દેવગણ સાથે કરિયરના શરૂઅાતના સમયમાં ‘વિજયપથ’, ‘તક્ષક’ અને ‘હકીકત’ જેવી ફિલ્મ કરી. હવે લાંબા સમય બાદ તે ‘દૃશ્યમ્’ની અંદર અજય સાથે જોવા મળી. તે કહે છે કે અા ફિલ્મના શૂટિંગ દરમિયાન મેં અજય દેવગણમાં સહેજ પણ પરિવર્તન નોંધ્યું નથી. શૂટિંગ પહેલાં મને એવું લાગ્યું હતું કે અજય અત્યારે સફળતાના શિખરે બિરાજમાન છે તો તેનામાં કોઈ પરિવર્તન તો અાવ્યું જ હશે, પરંતુ મને તેવું સહેજ પણ લાગ્યું નથી. અજય ખૂબ જ રિલેક્સ મૂડમાં કામ કરે છે. તે શૂટિંગ કરતી વખતે માહોલને પિકનિક જેવો બનાવી દે છે. મેં ક્યારેય તેને સેટ પર સ્ટ્રેસમાં જોયો નથી. યુનિટના કોઈ પણ નાનકડા સાથીને તે ક્યારેય પણ ટેન્શનમાં જુએ તો ખૂબ જ જલદી તેની પાસે પહોંચીને તેને મદદ કરવાની કોશિશ કરે છે. બોક્સ ઓફિસ કલેક્શન અને ફિલ્મને મળેલી પ્રશંસા અંગે વાત કરતાં તબુ કહે છે કે જ્યારે કોઈ અમારાં કામનાં વખાણ કરે છે ત્યારે અમને ખૂબ જ સારું લાગે છે, પરંતુ સાચી વાત એ છે કે માત્ર પ્રશંસાથી કામ ચાલતું નથી. ફિલ્મ બનાવવા પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા હોય છે, તેથી જો કોઈ પ્રોડ્યૂસર પૈસા લગાવે છે તો સારા વળતરની પણ અપેક્ષા રાખે છે. તેથી બોક્સ ઓફિસ પર ફિલ્મનું હિટ થવું જરૂરી છે. •
 
You might also like