રાણીપ, અમરાઈવાડી પોલીસ લાઈનના કાંગરા ખરી રહ્યા છે  

અમદાવાદઃ પોલીસ  દિન રાત ખડે પગે ઊભી રહીને શહેરની સુરક્ષા કરે છે. પોલીસ કર્મીઓને રહેવા માટે આપતા મકાનો પોલીસ લાઈન તરીકે ઓળખાય  છે તે હવે પોલીસ કર્મીના પરિવારજનો માટે ભયજનક બની ગયાં છે. રાણીપ પોલીસ લાઈન અને અમરાઈવાડી પોલીસ લાઈનમાં દરેક બ્લોકની હાલત અત્યંત નબળી બની ગઈ છે. રાણીપ પોલીસ લાઈનના મકાનમાં દાદરાથી  લઈને ઘરમાં અંદર જતા સુધી દીવાલ પરથી પોપડા તૂટી ગયા છે. જ્યારે  અમરાઈવાડી પોલીસ લાઈનમાં તો ઘરો ભયજનક હાલતમાં જોવા મળી જ રહ્યા છે અા ઉપરાંત ગંદકી અને ગાયોનો ત્રાસ સૌથી વધુ છે.  

રાણીપ પોલીસ લાઈનમાં કુલ 428 આવાસો છે.  જ્યારે આ પોલીસ લાઈન 500 થી 600 જેટલા લોકો રહે છે. રાણીપ પોલીસ લાઈનમાં દરેક બ્લોક, દરેક ઘરમાં વારંવાર છત પરથી પોપડા નીચે પડે છે, જ્યારે થોડા દિવસ અગાઉ સ્લેબ પણ પડ્યો છે. ઘરની છતનાં પોપડા વરંવાર પડી જતા હોવાના કારણે  પોલીસ કર્મીનાં પરિવારજનો એ છત પર પ્લાસ્ટિક બાંધી રહેવું પડે છે. રાણીપ પોલીસ લાઈન હવે ખંડેર લાગી રહ્યું છે. 

જ્યારે બીજી બાજુ અમરાઈવાડીમાં  બાગે ફિરદોસ પોલીસ લાઈન ભાગ 3 માં પણ પોલીસ તંત્રમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનાં પરિવારજનોની જાન પણ જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. અમરાઈવાડી પોલીસ લાઈનમાં પણ દરેક બ્લોકમાં દરેક ઘરમાં છત પરથી પોપડા તો નીકળી રહ્યા છે સાથે સાથે આ પોલીસ લાઈનમાં  રહેતા પરિવારજનો ને ગંદકીનો સામનો કરવો પડે છે અને ગાયોનો ત્રાસ સહન કરવો પડે છે. 

પોલીસ લાઈન નવી બનાવવાની કામગીરી ચાલી રહી છે

હાલમાં રાણીપ પોલીસ લાઈનમાં નવા 96 આવાસો બની રહ્યા છે જેમાં થી 48 જેટલા મકાનો અમદાવાદ સિટી પોલીસ ને ફાળવવામાં આવશે જ્યારે બાકીનાં 48 આવાસો રેલવે અધિકારીને ફાળવવામાં આવશે. હાલમાં ઘણી નવી પોલીસ લાઈન તૈયાર કરવામાં આવી રહી છે. એક પોલીસ લાઈન બનાવા માટે 10 કરોડ થી વધુ કરચ થતો હોય છે. 

આર. સી. મોદી, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, પોલીસ હાઉસિંગ બોર્ડ 

 

 

You might also like