રાજ્યમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર અસરકારક અંકુશ મુકાશે

લુણાવાડા : મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ૬૯મા સ્વાતંત્ર્ય પર્વની પ્રભાતે માતૃભૂમિની ભક્તિ માટે પોતાના પ્રાણોની આહૂતિ આપનાર દેશના પનોતા સંતાનોને શાબ્દિક સ્મરણાંજલિ અર્પતા તેમના ચીંધેલા માર્ગે રાજ્યના જનજનની સર્વાંગી સમુત્ક્રાંતિ માટે નારી શક્તિ, કૃષિ ક્રાંતિ, ઔદ્યોગિક વિકાસ, ગુણવત્તાસભર શિક્ષણ, બહેતર આરોગ્ય સેવાઓ, વંચિતોના કલ્યાણ તથા વનબંધુઓની સમૃદ્ધિની બહુપાંખી વ્યૂહરચના વડે ગુજરાતના સુરેખ વિકાસના દિશા-નિર્દેશો આપ્યા હતા.

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે સ્વાતંત્ર્ય પર્વની ખુશનુમા પ્રભાતે મહીસાગર જિલ્લાની ધરા પરથી રાષ્ટ્રના ગૌરવ, આત્મ સન્માન, પ્રતિષ્ઠા અને ઐક્યના પ્રતીક સમા ત્રિરંગાને અદબભેર સલામી અર્પી હતી. આ અવસરે તેમણે મહત્વની ઘોષણા કરતા અકિંચન નિરાધાર વિધવા મહિલાઓને આપવામાં આવતા પેન્શન માટેની આવક મર્યાદામાં ભારે વૃદ્ધિ જાહેર કરીને ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓ માટેની આવક મર્યાદા રૃા. ૨૭ હજારથી વધારીને રૃા. ૪૭ હજાર કરવાની તેમજ શહેરી વિસ્તારની મહિલાઓ માટેની આવક મર્યાદા રૃા. ૩૬ હજારથી વધારીને રૃા. ૬૮ હજાર કરવાની જાહેરાત કરી હતી. રાજ્યના વિવિધ તાલુકાઓમાં ૧૧ નવી કોલેજો શરૃ કરવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રીએ રાજ્યમાં ચાર મહત્વના સ્થળોએ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) ધોરણે યુવા વર્ગો માટે ઇન્ડસ્ટ્રીયલ જૉબ પ્લેસમેન્ટ માટે સ્કીલ ડેવલપમેન્ટ કેન્દ્રો સ્થાપવાની ઘોષણા કરી હતી. 

You might also like