રાજીવ મહર્ષિ બન્યા નવા ગૃહસચિવ, ગોયલનું VRS

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહસચિવ એલ.સી ગોયલ પોતાનાં પદ પરથી રિટાયર થઇ ગયા છે અને નાણા સચિવ રાજીવ મહર્ષીને આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. ગોયલે આ વર્ષે ફેબ્રુઆરીમાં અનિલ ગોસ્વામીની જગ્યાએ ગૃહ સચિવનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. કાર્યકાળ પુરો થતા અગાઉ જ વીઆરએસ લેવા અંગે સરકાર અને તેમની વચ્ચે કામકાજનાં મુદ્દે મતભેદ હોવાનું કારણ બહાર આવી રહ્યું છે. 

સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા વક્તવ્ય અનુસાર નાણા સચિવ રાજીવ મહર્ષીને ગૃહ સચિવ પદ પર નિયુક્ત કરવાનાં નિર્ણયને મોદી દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. તેઓ બે વર્ષ સુધી આ પદ પર રહેશે અને એલ.સી ગોયલનું પદ સંભાળશે. વડાપ્રધાને સાથે જ ગોયલનાં અંગત કારણોને ધ્યાનમાં લઇને વીઆરએસ લેવાની તેમની અરજીનો સ્વિકાર કર્યો હતો. જાણકારી અનુસાર ગોયલને સરકાર અને નાણા મંત્રાલય સાથે તાલમેલ બંધ બેસતો નહોતો.

અગાઉ અનીલ ગોસ્વામીને સારદા ગોટાળામાં નામ આવ્યા બાદ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમનાં પર સારદા મુદ્દે આરોપી પૂર્વ ગૃહરાજ્યમંત્રી મતંગ સિંગની ધરપકડ અટકાવવા માટે સીબીઆઇ પર દબાણ લાવવાનો પણ આરોપ હતો. રાજીવ મહર્ષી 1978 બેચનાં આઇએએસ ઓફીસર છે અને રાજસ્થાનનાં મુખ્ય સચિવ પણ રહી ચુક્યા છે. તેઓ આજે રિટાયર થવાના હતા પરંતું તેઓને બે વર્ષનું એક્સટેન્શન મળવાનું હતું. 

You might also like