રાજસ્થાનમાં ૪પ૦૦૦ કરોડનું ખાણ કૌભાંડ : કોંગ્રેસનો આક્ષેપ

નવી દિલ્હી : કોંગ્રેસે રાજસ્થાનમાં ૪પ૦૦૦ કરોડના માઈનિંગ કૌભાંડનો આરોપ મુકતા મુખ્યમંત્રી વસુંધરાને નિશાના ઉપર લીધા છે. કોંગ્રેસે આ કથિત કૌભાંડમાં સીએમ વસુંધરા રાજે પણ સામેલ હોવાનો આરોપ મુકયો છે અને તેમના રાજીનામાની માંગણી કરી છે. પક્ષના નેતા સચિન પાઈલોટે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ માઈનિંગ સ્કેમ રાજસ્થાનના ઈતિહાસનું સૌથી મોટુ સ્કેમ છે.

આમા રાજસ્થાન સરકાર પણ સામેલ છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, રાજયમાં નિલામી વગર જ ખાણોની ફાળવણી કરવામાં આવી હતી. સાથોસાથ કોંગ્રેસે  આ કૌભાંડની સુપ્રીમ કોર્ટની આગેવાનીમાં સીબીઆઈ પાસે તપાસ કરાવવાની પણ માંગણી કરી છે.કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે, ખાણ ફાળવણીમાં ઉતાવળ કરવામાં આવી અને એક લાખ વીઘા જમીન નિલામી વગર આપવામાં આવી હતી. જેનાથી સરકારને ૪પ૦૦૦ કરોડની કમાણી થઈ શકતી હતી. તેમણે કહ્યું હતું કે, પહેલા આવો અને પહેલા મેળવોના આધાર પર ફાળવણી આપવામાં આવી હતી અને રાજય સરકારે લોકાયુકતને પણ ખોટા જવાબો આપ્યા હતા.

સચિન પાઈલોટે જણાવ્યું હતું કે, રાજસ્થાન સરકારે ૬પ૩ ખાણ ફાળવી હતી. રાજય સરકારે ર લાખ કરોડની જમીનવાળી માઇન પોતાના ફાયદા માટે નિયમોની વિરુધ્ધ ફાળવી હતી. અત્રે એ નોંધનીય છે કે, ગયા સપ્તાહે ઉદયપુરમાં એસીબીએ ૩.૮૦ કરોડની લાંચના મામલામાં રાજયના માઈનિંગ વિભાગના અગ્ર સચિવ અશોક સિંઘવીની ધરપકડ કરી હતી. તેઓ વસુંધરાના નજીકના માણસ હોવાનું કહેવાય છે.

You might also like