રાજયમાં ઇન્ટરનેટ સેવા શરૂ : અમદાવાદમાં વોટ્સએપ તેમજ ફેસબુક હજી બે દિવસ બંધ

અમદાવાદ : પાટીદાર અનામત આંદોલનની ૨૫મી ઓગસ્ટના રોજ યોજાયેલી રેલી બાદ થયેલા તોફાનો અને હિંસાને સોશિયલ મીડિયાની અફવાઓના કારણેવધુ વેગ ન મળે તે હેતુથી કલેકટર દ્વારા મોબાઇલ ઇન્ટરનેટની સુવિધાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી. આજે બપોરે ડીજીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક મળી હતી. જેમાં જિલ્લાવાર સમીક્ષા કર્યા બાદ આજે મોબાઈલ ઈન્ટરનેટ ફરી ચાલુ કરવું કે નહીં તે અંગે ચચૉ થઇ હતી જેમાં જિલ્લાવાર કલેકટર પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ રાજયમાં ઇન્ટરનેટ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.

જોકે ૨૫ ઓગસ્ટના રોજ યોજાયેલી રેલી બાદ થયેલા તોફાનો અને હિંસાના અમુક વીડિયો વાઇરલ થઇ શહેરમાં તોફાનો ફરી શરૂ ન થાય તે હેતુથી અમદાવાદ શહેરમાં વોટ્સએપ,ફેસબુક,યુ-ટયુબ અને ટિવ્ટર હજી બે દિવસ બંધ રહેશે. ગત મંગળવારથી મોબાઇલ ઇન્ટરનેટ બંધ હોવાના કારણે લોકો રક્ષાબંધનની શુભેચ્છાઓ પણ આપી શકયા ન હતા.

પાટીદાર અનામતની રેલી બાદ ભડકેલી હિંસાના પગલે ગણતરીની પળોમાં શહેરીજનો સુધી ફોટા અને વીડિયો વાઇરલ થવાનું શરૂ થતાં કલેકટર દ્વારા મોબાઇલ ઇન્ટરનેટની સુવિધા પર રોક લગાવી દેવામાં આવી હતી. જે બાદ ૨૬ ઓગસ્ટે ચાલુ થયેલી હિંસાત્મક પ્રવૃતિઓના કારણે મોબાઇલ ઇન્ટરનેટ થોડા સમય માટે ચાલુ બંધ રહ્યુ હતું. જે બાદ મોબાઇલ ઇન્ટરનેટની સુવિધા સંપૂર્ણપણે બંધ થઇ હતી.

છ દિવસથી સોશિયલ નેટવર્કિંગનો ઉપયોગ ન કરી શકેલા લોકોમાં વોટસ એપ કયારે શરૂ થશે તે એક ચર્ચાનો વિષય બન્યો હતો.વોટસ એપ અને ફેસબુકના બંધાણીઓએ વાઇફાઇથી પણ સોશિયલ નેટવર્કિંગ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો.૨૫ ઓગસ્ટના રોજ થયેલી હિંસા બાદ ૨૬ ઓગસ્ટના રોજ ટેકસ મેસેજ સેવા પણ સ્થગિત કરાઇ હતી જેને ફરી શરૂ કરી દેવાઇ છે.

ગ્રાહકોનો વણ વપરાયેલો ડેટા કેરી ફોરવર્ડ નહીં થાયછ દિવસથી મોબાઇલ ઇન્ટરનેટની સુવિધા બંધ હોઇ પ્રિપેેઇડ કાર્ડ ધારકોએ રિચાર્જ કરાવેલો મોબાઇલ ઇન્ટરનેટનો ડેટા વપરાશ વગરનો રહ્યો છે ત્યારે મોબાઇલ કંપનીઓ દ્વારા હાલ પૂરતા લેવાયેલા નિર્ણય અનુસાર આ મોબાઇલ ડેટાની સમયમર્યાદા આ મહિના પુરતી જ સીમિત રહેશે.પ્રિપેઇડ કાર્ડ ધારકોએ આવતા મહિનાના ઇન્ટરનેટના પેકેજ માટે ગ્રાહકોએ નવેસરથી રિચાર્જ કરાવવાનુ રહેશે. ઈન્ટરનેટ પેકેજ ૨૫થી ૩૧ તારીખ સુધીમાં પૂર્ણ થતાં હશે તેવા ગ્રાહકોને વણ વપરાયેલા ઈન્ટરનેટ ડેટાનું નુકસાન જશે.સરકાર તરફથી જાહેરાત મળતાંની સાથે પોતાની કંપનીના કાર્ડ ધારકોને જાણ કરવામાં આવશે.

પોસ્ટપેઇડમાં બિલ વધારે આવવાનો અંદાજવાતવાતમાં ‘વોટસ એપ કરુ છું’ કહેનારા શહેરીજનો માટે વોટસ એપ બંધ થઇ જતાં જાણે આફત આવી પડી હતી.વોટસ એપ બંધ થવાના કારણે લોકોને વાતકરવા ફોનનો જ એકમાત્ર સહારો બચ્યો હતો.જેના કારણે આ મહિને મોબાઇલ બિલ વધારે આવશે તેવી ચર્ચા પણ થઇ હતી.બીજી બાજુ મેસેજ પણ ન જઇ શકતા હોય મોબાઇલમાં રિચાર્જ કરાવવાથી પણ અનેક લોકો અળગા રહી ગયા હતા.અને જોઇ જોઇને બેલેન્સ વાપરવાની મુસીબત આવી હતી.

You might also like