રાજન રીઝ્યાઃ વ્યાજદરમાં અડધા ટકાનો ઘટાડો

મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર રઘુરામ રાજને આજે જાહેર કરેલી નાણાકીય નીતિ સમીક્ષામાં નીતિગત વ્યાજના દરમાં ૦.૫ ટકાનો ઘટાડો કર્યો છે, હવે રેપો રેટ ૬.૭૫ ટકા થયો છે. સાથેસાથે રિવર્સ રેપો રેટમાં પણ ૦.૫ ટકાનો ઘટાડો થઇ ૫.૭૫ ટકા થઇ ગયો છે, જેના પગલે હવે લોન ઉપરના વ્યાજના દરમાં ઘટાડો થાય તેવી મજબૂત શક્યતા જોવાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ કેલેન્ડર વર્ષ ૨૦૧૫માં રેપો રેટમાં અત્યાર સુધીમાં કુલ ૧.૨૫ ટકાનો ઘટાડો કર્યો છે. આરબીઆઇએ આજે જાહેર કરેલી પોલિસીમાં કેશ રિઝર્વ રેશિયો યથાવત્ ચાર ટકા રાખ્યો છે.  

આરબીઆઇને આશા છે કે જાન્યુઆરી ૨૦૧૬ સુધી મોંઘવારી દર ૫.૮ ટકાના દરે આવી જશે. જોકે આરબીઆઇએ આર્થિક વિકાસના લક્ષ્યાંકને ઘટાડી દીધો છે. આજે જાહેર કરેલી આરબીઆઇની પોલિસીમાં નાણાકીય વર્ષ ૨૦૧૬ માટે જીડીપી ગ્રોથનું અનુમાન ૭.૬ ટકાથી ઘટાડીને ૭.૪ ટકા કરી દીધું છે.  દરમિયાન આજે જાહેર કરાયેલી આરબીઆઇની પોલિસી બાદ મોટા ભાગના બેન્કના શેરમાં સુધારો જોવા મળ્યો હતો.

You might also like