રાખડી બાંધવા આવેલી બહેન અને ભાઇને પોલીસવાન ભરખી ગઇ

વડોદરા : શહેરના તરસાલી બ્રીજની બાજુની ખુલ્લી જગ્યામાં ઝૂંપડાઓમાં રહેતા પરિવાર ઉપર હાઇવે પેટ્રોલિંગ કરી રહેલી પાણીગેટ પોલીસ સ્ટેશનની પીસીઆર વાન- ૧ ચઢી જતાં રક્ષાબંધન કરવા માટે આવેલી બહેન અને તેના ભાઇનું કરૂણ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય ચાર જણાને ઇજા પહોંચી હતી. બહેનને રક્ષાબંધન નિમિત્તે આપેલી સાડી બહેનનું કફન બની છે. તેમ મોટા ભાઇ અને બહેનને ગુમાવનાર નાના ભાઇ ચંદુભાઇ નાથે લોકસત્તા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

મોટાભાઇ કિશન નાથ અને બહેન જીવન પરમારને ગુમાવનાર નાનાભાઇ ચંદુભાઇ નાથે વધુમાં જણાવ્યું હતું કે, પોર ગામમાં રહેતી બહેન જીવનબહેન લાલાભાઇ પરમાર તેનાચાર સંતાનો રાણી, કાલી, મોહન અને પૂજાને લઇને શુક્રવારે સાંજે રક્ષાબંધન કરવા માટે આવી હતી. શનિવારે બપોરે પરિવાર સાથે મળીને ઉત્સાહભેર રક્ષાબંધન મનાવી હતી અને બે ભાઇઓએ ભેગા થઇને રક્ષાબંધન પર્વે સાડી ભેટમાં આપી હતી. પરંતુ ભાઇઓએ આપેલી સાડી બહેનની ખાપણ બની ગઇ હતી. સોમવારે રાત્રે બનેલી ઘટનામાં પોલીસની વાને બહેન અને ભાઇને કચડી નાંખતા બહેનના ચાર માસૂમ બાળકોને અને ભાઇની માસૂમ દીકરી (ઉ.વ. ૪)ને નોંધારા થઇ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસ વાનમાં સ્થાનિક રહેવાસીઓને દારૂની બોટલ નજરે ચઢી હતી તથા પોલીસ વાનનો ચાલક પણ દારૂ પીધેલી હાલતમાં હોય તેવી ચર્ચા સ્થળ પર થઇ રહી હતી. પોલીસ વાનમાં બેઠેલા કુલ ચાર પોલીસ જવાનમાંથી અકસ્માત થતાં જ કેટલાક પોલીસકર્મી સ્થળ પરથી પોબારા ભણી ગયા હતા.

You might also like