રશિયન દૂતાવાસની કારે ટક્કર મારતાં એક કોન્સ્ટેબલ સહિત ચાર જખમી

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં સોમવારે મોડી રાત્રે ૧૨.૩૦ કલાકની આસપાસ શાંતિપથ વિસ્તારમાં રશિયન દૂતાવાસની એક ઝડપથી દોડતી હ્યુન્ડાઈ ઈલેન્ટ્રા કારે પોલીસ બેરિકેડને અડફેટે લેતાં બેરિકેડ પર ઊભેલા બે કોન્સ્ટેબલ સહિત કુલ ચારને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. વિદેશીઓ પર મહિલાઓની મારપીટ અને છેડતીનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે બે કારમાં સવાર બે મહિલા અને અેક શખસ સહિત પોલીસના બે જવાનો પણ જખમી ગયા હતા.

ઘાયલ મહિલાઓ પોતાના પરિવાર સાથે વસંતકુંજથી પોતાના ઘર ઈન્દિરા પુરમ્ જઈ રહી હતી. અકસ્માત વખતે રશિયન દૂતાવાસની કારમાં ચાર વિદેશીઓ સવાર હતા. પીડિત પરિવારનો આક્ષેપ છે કે આ ચારેય વિદેશીઓ નશામાં ચૂર હતા અને ટક્કર બાદ તેમણે મહિલાઓ સાથે મારપીટ અને છેડતી પણ કરી હતી. 

ઘાયલ મહિલાઓ નેહા અને જસ્મીને જણાવ્યું હતું કે દૂતાવાસની કારમાં નશામાં ચકચૂર ચારેય વિદેશી નાગરિકોએ તેમની સાથે મારપીટ અને છેડતી કરી હતી. દુર્ઘટના બાદ પોલીસે તમામ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જ્યાં તેમને સારવાર આપવામાં આવી હતી, જોકે પોલીસને હજુ મહિલાઓ તરફથી છેડતીની ફરિયાદ મળી નથી. જો ફરિયાદ મળશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એવું પોલીસે જણાવ્યું હતું. 

You might also like