રણજી ટીમને પ્રેક્ટિસ માટે બોલનાં પણ ફાંફાં

નવી દિલ્હીઃ બીસીસીઆઇ દુનિયાનું સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ છે અને તે પોતાના બધા ટેસ્ટ સેન્ટરવાળા રાજ્ય સંઘોને દર વર્ષે ૩૫થી ૪૦ કરોડ રૂપિયા આપે છે, પરંતુ દિલ્હી ક્રિકેટ સંઘના ફિરોજશાહ કોટલા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહેલી દિલ્હી રણજી ટીમને પ્રેક્ટિસ કરવા માટે બોલના પણ ફાંફાં પડી રહ્યા છે. કેપ્ટન ગૌતમ ગંભીરે ગઈ કાલે ટીમની પ્રેક્ટિસ માટે પોતાના ખર્ચે બોલની વ્યવસ્થા કરવી પડી હતી. આટલું ઓછું હોય તેમ ગંભીરે ખુદે ફોન કરીને ૧૫ સભ્યોની ટીમ માટે નાસ્તો-પાણી પણ મંગાવ્યા હતા. ગત સિઝનમાં રણજી ટ્રોફી (વન ડે)માં ટીમના મેનેજર રહેલા તપેશ્વર ત્યાગીએ કહ્યું કે સવારે ટીમ અભ્યાસ કરી રહી હતી એ દરમિયાન હું પણ મેદાનમાં પહોંચી ગયો. ગંભીરે મને બોલાવીને કહ્યું કે અહીં તો પ્રેક્ટિસ માટે બોલ પણ નથી. ડીડીસીએના સંયુક્ત સચિવ સુભાષ શર્માએ કહ્યું કે, ”ટીમને પાણી તો પહોંચાડી દેવામાં આવ્યું હતું, પરંતુ નાસ્તાપાણીની જવાબદારી કોની હતી એ હું જાણતો નથી. કોષાધ્યક્ષ રવીન્દ્ર મનચંદાએ મને જણાવ્યું કે ગંભીરે ફરિયાદ કરી છે અને આજથી આની વ્યવસ્થા કરી દેવાશે.”
You might also like