યુવાન જીવતો હોવાનો ભાસ થતાં અગ્નિદાહ રોકાવી ચિતા પર તબીબી પરીક્ષણ

અમદાવાદ : ગઈકાલે રાત્રે જેતપુર શહેરમાં આવેલા સ્મશાનમાં એક એવો બનાવ બન્યો જે સાંભળીને જ માનવીનું હૃદય ધબકારા ચૂકી જાય. અહીં બીમારીથી મોતને ભેટેલા યુવાનને અંતિમ સંસ્કાર માટે લઈ આવવામાં આવ્યો હતો પરંતુ તેના મિત્રને એવો ભાસ થયો હતો કે તેણે આંગળી પકડી છે. બાદમાં ચિતા પર યુવાનનો અગ્નિદાહ રોકવામાં આવ્યો હતો. અગ્નિદાહ રોકીને તબીબોને સ્મશાનગૃહમાં બોલાવીને પોલીસની હાજરીમાં તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અંતે યુવાનનું મોત થયું હોવાનું તબીબી પરીક્ષણમાં બહાર આવતાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

મળતી માહિતી અનુસાર જેતપુરના વતની એવા દેવેન્દ્ર પંડયા (ઉં.વ. ૨૫)નું ગઈકાલે બપોરે બીમારીના કારણે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. તેના મૃતદેહને જેતપુર લઈ આવ્યા બાદ રાત્રે ૯ કલાકે તેની અંતિમવિધિ માટે જેતપુર સ્મશાને લઈ જવાયો હતો. સ્મશાનમાં તેના મૃતદેહને ચિતા પર રાખવામાં આવ્યો હતો. દરમિયાન મૃતક દેવેન્દ્રે તેના મિત્ર રાજુ સરવૈયાને એવો ભાસ થયો કે દેવેન્દ્રના મૃતદેહે તેની આંગળી પકડી છે.

આ ઘટના હાજર અન્ય ડાઘુઓને પણ લાગ્યું હતું. પરંતુ મૃતકના પરિવારજનો રાજકોટમાં તબીબોએ પુત્ર મૃત્યુ પામ્યો હોવાનું સ્પષ્ટ કરી દીધું હોવાથી તેઓ આ બાબતે સજાગ હતાં. આમ છતાં મૃતકનો મિત્ર અને અન્ય ડાઘુઓ ન માનતાં પોલીસને જાણ કરવામાં આવતાં તે સ્મશાનગૃહે દોડી આવી હતી. પોલીસની હાજરીમાં સિવિલ હોસ્પિટલના ડોકટરે પરીક્ષણમાં દેવેન્દ્ર મૃત્યુ પામ્યો હોવાનું મૃત્યુ પામ્યો હોવાનું જણાવ્યું હતું. અંતમાં ડોકટરી પરીક્ષણ બાદ મૃતકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

You might also like