યુવાનને મગરે જડબામાં લીધો રિક્ષા ચાલકે બચાવ્યો

વડોદરા : જેતલપુર અને જેલરોડને જોડતા ભીમનાથ બ્રિજ પરથી આજે બપોરે ભેદી સંજોગોમાં નીચે નદીમાં પડી ગયેલા યુવાનને મગરે પકડી લેતાં રિક્ષાવાળાએ તેને આબાદ બચાવી લીધો હતો. ફાયર બ્રિગેડ સૂત્રોના જણાવ્યા મુજબ બપોરે લગભગ ૧૨-૨૦ વાગ્યે ભીમનાથ બ્રિજ પરથી મુકેશ નામનો ૨૨ વર્ષીય યુવાન અકસ્માતે વિશ્વામિત્રી નદીમાં પડી ગયો હતો. યુવાન નદીમાંપડી જતાં તે તરતાં-તરતાં બ્રિજ નીચેથી પરશુરામ ભઠ્ઠા તરફ આવી ગયો હતો. જયાં નદીમાં રહેલા એક મગરે યુવાનનો ડાબો હાથ પકડી લેતા તેણે બૂમરાણ મચાવી મુકી હતી.

મુકેશની બૂમો સાંભળી ભીમનાથ બ્રિજ પરથી પસાર થઇ રહેલા વાહન ચાલકો પોતાના વાહનો થોભાવી મગરના મોંઢામાંથી બચવા માટે બૂમરાણ મચાવી રહેલા યુવાનને જોઇ રહયા હતા. દરમિયાન બ્રિજ ઉપરથી રિક્ષા લઇને પસાર થઇ રહેલા ગનીભાઇ મહંમદભાઇ શેખે (ઉ.વ.૫૨) રહે. ખાનકાહ મહોલ્લો, પાણીગેટ પણ લોકોનું ટોળું જોઇ પોતાની રિક્ષા રોડની સાઇડમાં પાર્ક કરીને નદીમાં નજર નાંખી હતી.

 

ગનીભાઇ શેખે યુવાનને મગરના મોંઢામાં જોતા જ એક ક્ષણનો વિચાર કર્યા વિના સીધા નદીના કિનારે પહોંચી ગયા હતા અને નદી કિનારે ચાલતી કન્સ્ટ્રકશન સાઇટ પર કામ કરતા મજૂરો પાસે લોખંડનો સળિયો મંગાવ્યો હતો. મજુરો સળિયો લઇને આવ્યા બાદ ગનીભાઇ શેખે સળિયો મગરના મોંઢા પર મારતા મગર યુવાનનો હાથ છોડીને પાણીમાં ગરક થઇ ગયો હતો. દરમિયાન મગરના હુમલાનો ભોગ બનેલા ગનીભાઇ શેખે મુકેશને લોહી લુહાણ હાલતમાં નદીમાંથી બહાર કાઢી ફાયર બ્રિગેડને જાણ કરતા તુરત જ ફાયર બ્રિગેડની એમ્બ્યુલન્સ વાન ઘટના સ્થળે આવી પહોંચી હતી.

ઇજાગ્રસ્તને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. મગરના હુમલાના કારણે મુકેશના હાથમાંથી ખૂબ લોહી વહી ગયું છે તથા મગરના દાંતના ઊંડા ઘા પડયા છે. ઇજાગ્રસ્ત મુકેશની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુકેશ નદીમાં કેવી રીતે પડી ગયો તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મુકેશ ભાનમાં આવે ત્યારબાદ તે અંગે વધુ જાણી શકાશે.

You might also like