યુનિ.માં ગટરનાં ઊભરાતાં પાણીઃ મચ્છરનો ઉપદ્રવ

અમદાવાદઃ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ડેન્ગ્યુ અને કોલેરાએ કાળો કેર વર્તાવ્યો છે.  શહેરના અનેક લોકો રોગચાળાના ભરડામાં આવી ગયા છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં મુખ્ય ભવન પાસે ગટરનું પાણી ઊભરાઇ રહ્યુ છે કે જાણે ડેન્ગ્યુના રોગને આમંત્રણ આપવામાં આવી રહ્યું હોય. 

શહેરમાં જે સ્થળોએ ગંદકીના ખડકલા હોય તેવાં સ્થળોએ કોર્પોરેશન નોટ‌િસ ફટકારતું હોય છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશદ્વાર પાસેની ગંદકી ઉપર સત્તાવાળાઓની નજર ન પડી હોય તેમ લાગી રહ્યું છે.

રાજ્યની મોટી ગુજરાત યુનિવર્સિટી રોજેરોજ હજારો વિદ્યાર્થીઓની અવરજવરથી ધમધમતી હોય છે. ગુજરાત યુનિવર્સિટીમાં જ આવતા વિદ્યાર્થીઓ ડેન્ગ્યુ કે મેલેર‌િયાના ભરડામાં ફસાઇ જાય તે પ્રકારની સ્થિત‌િ હાલ ગુજરાત યુનિવર્સિટીમાં સર્જાઇ છે. જે દરવાજેથી વિદ્યાર્થીઓ અવરજવર કરતા હોય છે તથા ગુજરાત યુનિવર્સિટીનો સ્ટાફ પસાર થઇ રહ્યો હોય છે તે જ સ્થળે ગટરની પાઇપલાઇન સડીને તૂટી ગઇ છે. આ પાઇપ કેટલી જૂની છે તેની પાઇપ ઉપર લાગેલી લીલ જ ચાડી ખાય છે. ગટરની પાઇપ પણ તુટી ગયેલી હોઇ ગંદું પાણી રસ્તા ઉપર કેટલાય દિવસથી વહી રહ્યું છે.

ગુજરાત યુનિવર્સિટીની એસી કેબિનોમાં બેસી રહેલા સત્તાધીશોની હાલ આ સ્થળે નજર નહીં પડી હોય. ગત વર્ષે પણ થલતેજની ડીએવી શાળામાં મચ્છર કરડવાથી એક વિદ્યાર્થીનું મૃત્યુ થયુ્ હતું અને બીજા કેસમાં થોડા દિવસ પૂર્વે સેન્ટ ઝેવિયર્સ શાળામાં મચ્છર કરડતાં વિદ્યાર્થીને ડેન્ગ્યુ થવાની ફરીયાદઊઠી હતી, જેના પરિણામે શૈક્ષણિક સંસ્થાઓની લાપરવાહી પર કોઇ પ્રકારનો અંકુશ ન હોય તેવી પરિસ્થિત‌િ છે. સામાન્ય રીતે શહેરના જે સ્થળોએ બંધિયાર પાણી હોય કે પછી અનેક સમયથી પાણીનો ભરાવો થયો હોય તેવાં સ્થળોએ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જ સઘન ચેકિંગ કરી નોટીસ ફટકારતા હોય છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં ઠેરઠેર ગંદકી અને પાણીના ભરાવાથી કોઇ વિદ્યાર્થી ડેન્ગ્યુના ભરડામાં આવે તો જવાબદારી કોની તે એક પ્રશ્ન છે.

You might also like