યુઆનના ધોવાણે સ્થાનિક બજારમાં ચાઈનીઝ ટાયરની નીચી આયાત પડતરે વધતી બોલબાલા

અમદાવાદઃ એક બાજુ ચીનના યુઆનનું ધોવાણ થતાં ચાઇનીઝ ચીજવસ્તુઓની આયાત સસ્તી થઇ છે, જેના પગલે ચાઇનીઝ ટાયરની આયાત વધુ સસ્તી થતાં સ્થાનિક બજારમાં ચાઇનીઝ ટાયરની બોલબાલા વધી છે.

સ્થાનિક બજારના વેપારીઓના કહેવા પ્રમાણે ભારતીય કંપનીઓની પડતર તથા ઊંચા ટેક્સને કારણે ચાઇનીઝ ટાયરની સરખામણીએ ભારતીય કંપનીનાં ટાયર ૨૦થી ૪૦ ટકા ઊંચા ભાવે વેચાઇ રહ્યાં છે. ગ્રાહકોને ઊંચી પડતરને પગલે હવે ગ્રાહકો નીચા ભાવે ચાઇનીઝ ટાયરની માગ કરી રહ્યા છે. વેપારીઓના જ કહેવા પ્રમાણે એક બાજુ પાછલા કેટલાય સમયથી ટાયર ઇન્ડસ્ટ્રી આર્થિક મુશ્કેલીમાં સપડાઇ હતી તેવા સમયે જ યુઆનના અવમૂલ્યનને કારણે ટાયર ઇન્ડસ્ટ્રીઝે વધુ મુશ્કેલીમાં મુકાઇ જવું પડ્યું હતું.

સ્થાનિક વેપારીઓના કહેવા પ્રમાણે ભારતીય બ્રાન્ડનાં ટાયર વેચવાં હવે મુશ્કેલ પડી રહ્યાં છે. એક બાજુ આ કંપનીઓના વેચાણમાં માર્જિન ઘટી રહ્યું છે તો બીજી બાજુ ચાઇનીઝ ટાયરનાં વેચાણમાં ઊંચું માર્જિન હોવાના કારણે વેપારીઓ પણ સ્થાનિક બ્રાન્ડેડ ટાયર કંપનીઓનાં ટાયર રાખવાનું ઓછું પસંદ કરી રહ્યા છે.

You might also like