યાકુબ બાદ લાલ કિલ્લા હુમલાના અપરાધી આરિફને ફાંસી થશે

નવી દિલ્હીઃ યાકુબ મેમણ બાદ હવે લાલ કિલ્લા પરના હુમલાના અપરાધી આરિફને ફાંસી આપવામાં આવશે. આરિફની પત્ની રહમાનાનું કહેવું છે કે હવે કોઈ ચમત્કાર જ તેના પતિને ફાંસીથી બચાવી શકશે. આરિફ પાકિસ્તાની નાગરિક  છે અને લગ્ન વખતે પોતાની સાચી ઓળખ પત્નીને બતાવી ન હતી. રહમાના દિલ્હીમાં જ રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૫ ડિસેમ્બર ૨૦૦૦ના રોજ લાલ કિલ્લામાં થયેલા હુમલામાં ત્રણ જવાનો શહીદ થયા હતા. આરિફ ૧૫ વર્ષથી દિલ્હીની તિહાર જેલમાં કેદ છે.

 

એક અખબાર સાથેની મુલાકાતમાં રહમાનાએ જણાવ્યું હતું કે જો યાકુબની ફાંસી ટળી શકી હોત તો કદાચ મને આશા રહેત કે મારા પતિ આરિફને ફાંસી થશે નહીં, પરંતુ યાકુબની સાથે મારી આ આશા પર હવે પાણી ફરી વળ્યું છે. સુરક્ષા સંસ્થાઓએ આરીફને લશ્કર-એ-તોયબાનો ત્રાસવાદી હોવાનું જણાવ્યું છે. રહમાનાનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટે આરિફની ફાંસી યથાવત રાખી છે. તેની રિવ્યુ પિટિશન ઓગસ્ટ ૨૦૧૨માં ફગાવી દેવાઈ હતી. આરિફની ક્યુરેટિવ પિટિશન પણ ફગાવી દેવામાં આવી છે. જોકે તેની દયાની અરજી પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

રહમાનાએ એવો દાવો કર્યો છે કે લાલ કિલ્લા પર થયેલા હુમલામાં તેના પતિની કોઈ ભૂમિકા નથી. જે દિવસે આરિફની ધરપકડ કરવામાં આવી તે દિવસે તે મારી સાથે મારી બહેનનાં ઘરે હતો અને પોલીસ ત્યાંથી તેમને ઉઠાવી ગઈ હતી, પરંતુ તપાસ એજન્સીઓનું કહેવું છે કે આરિફના બેન્ક ખાતામાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેકશન થયાં હતાં અને શ્રીનગરથી દિલ્હી આવીને તેણે લાલ કિલ્લા પરના હુમલાખોરોને મદદ કરી હતી.

You might also like