યમનમાં ગુજરાતનાં ૭૦ ખલાસી ફસાયા

નવી દિલ્હી : ગુજરાતના ૭૦ ખલાસીઓ યુદ્ધગ્રસ્ત યમનમાં ફસાયેલા હોવાનો ખલાસીઓના એક જૂથે દાવો કર્યા બાદ ભારત સરકારે આજે જણાવ્યું હતું કે, તે તેમને યમનમાંથી સહીસલામત બહાર કાઢવા માટે પગલાં લઇ રહી છે.ભારતીયોને બચાવવા માટે લેવાઇ રહેલાં પગલાં વિશે પૂછવામાં આવતાં વિદેશી બાબતોના મંત્રાલયના પ્રવકતા વિકાસ સ્વરૂપે દિલ્હીમાં જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિથી યમન (દિબૌતીની કેમ્પ ઓફિસ)માંનું અમારું મિશન વાકેફ છે અને ભારતીયોને હેમખેમ બહાર કાઢવા માટેના પગલાં લઇ રહ્યું છે.

કચ્છના દરિયાકાંઠાના માંડવી તેમજ જામનગરના જોડિયા અને સલાયાના ૭૦ જેટલા ખલાસીઓ છેલ્લાં ૧૫ દિવસ કરતાં વધુ સમયથી યમનમાં ખોખા બંદરે અટવાઇ ગયાં છે. આ ખલાસીઓ પાંચ બોટમાં ત્યાં સામાનની ડિલિવરી કરવા માટે ગયા હતાં તેમ ગુજરાતના ખલાસીઓના એક જૂથે જણાવ્યું હતું. તેમને બચાવી લેવા માટે આ જૂથે સરકારને અપીલ કરી હતી.

યમનમાં સાઉદીના નેતૃત્વ હેઠળના હવાઇ હુમલામાં એક બોટ નિશાન બની હતી અને તેમાં રહેલાં છ ભારતીયો માર્યા ગયા હતા. જેમાંથી મોટાભાગના ગુજરાતના હતા. આ અહેવાલ બાદ ૭૦ ખલાસીઓ અટવાયા હોવાના સમાચાર આવ્યાં હતાં.

કચ્છ અને માંડવી વહાણવટા એસોસિયેશનના પ્રમુખ હાજી જુનેજાએ જણાવ્યું હતું કે, છેલ્લાં ૧૫ દિવસથી પાંચ બોટ સાથે ૭૦ જેટલા ગુજરાતી ખલાસીઓ યમનમાં ફસાયેલાં છે અને તેમના બચાવ માટે હવે સરકારની મદદની જરૂર છે. તેમણે કહ્યું કે, ગઇકાલે આ ખલાસીઓને બચાવવા અથવા અન્યત્ર સલામત સ્થળે ખસેડવાની વિનંતી સાથે વિદેશ મંત્રાલયને લેખિતમાં જાણ કરી હતી.

તેમણે ઉમેર્યું કે, આ ખલાસીઓ ખૂબ દયાજનક પરિસ્થિતિમાં છે, કારણ કે કેટલાંક દળો દ્વારા ત્યાં બોમ્બમારો થઇ રહ્યો છે. ગઇરાત્રે બળવાખોરો અથવા તો સાઉદી ગઠબંધન બંનેમાંથી કોઇક દળે રોકેટ લોન્ચરો સાથે કરેલા હુમલામાં તેઓ માંડ બચી ગયાં હતાં.

દરમ્યાન અટવાયેલા એક ખલાસીએ પોતે માંડવી ગામના સિંકદર હોવાની ઓળખ આપીને એક ઓડિયો સંદેશો મોકલ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, ગઈરાત્રે તેમની પર બોંબમારો થયો હતો.

સિકંદરે સંદેશામાં જણાવ્યું હતું કે, હું એક ભારતીય છું. મારું નામ સિકંદર છે. અમે ઓખા બંદરે છીએ. તેમણે ત્રણ રોકેટ છોડયા હતાં અને અમે મહામુશ્કેલીએ અમારી જાતને બચાવી શક્યા છે. અમે જીવ બચાવવા માટે અહીંથી તહીં રજળપાટ કરીએ છીએ. અમે પાંચ બોટ સાથે સિત્તેર ભારતીયો અહીં અટવાયેલા છીએ. તેઓ યુદ્ધ વિમાનો દ્વારા બોંબમારો કરી રહ્યા છીએ.મહેરબાની કરીને અમને બચાવો. અમે ભારે મુશ્કેલીમાં છીએ. તેઓ અમને મારી નાંખશે. અમને બચાવો.

શિયા બળવાખોરો સરકાર તરફી દળો સામે અથડામણ કરી રહ્યા હોવાથી યમનમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ છે કે, ગયા માર્ચથી ચાલી રહેલી અથડામણમાં ૪,૫૦૦ કરતાં વધુ લોકો માર્યા ગયા છે.

 

આ અગાઉ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ૮મી સપ્ટેમ્બરે એક બોટ સાઉદીના નેતૃત્વ હેઠળ હવાઈ હુમલાનો ભોગ બનતા ૬ ભારતીયો માર્યા ગયા હતાં. મુસ્તફા અને અસ્મર નામની બે બોટો ૨૧ ભારતીય નાગરિકોને લઈને જતી હતી તે ગુમ થઈ હોવાના પ્રાથમિક અહેવાલ બાદ હવાઈ હુમલામાં જે ૭ નાગરિકો માર્યા ગયા હતાં તે પૈકીના આ ૬ હતાં. મંત્રાલયે જણાવ્યું હતું કે, બાકીના ૧૫ ભારતીયો પૈકી ૧૪ જણા હોદઈદાહમાં  સલામત હતાં જયારે ૧ જણ હજુ લાપતા છે.

 
You might also like