'યથેચ્છસિ તથા કુરુ' કહેનાર કૃષ્ણ સાંગોપાંગ શિક્ષક

વ્યાકુળતા વિહીન અને અનુકૂળતા સંપન્ન કૃષ્ણ માનવજાતના ભવોભવના શિક્ષક છે. ચાણક્યનું બહુ ચર્ચાતું વિધાન : ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા.’ પણ મને એવું ઊંડે ઊંડે સૂઝે છે કે, ચાણક્યના મનમાં અસાધારણ શિક્ષક તરીકે તો કૃષ્ણ જ હશે! શ્રીકૃષ્ણ જેવા અપ્રતિમ શિક્ષક બીજા ભાળ્યા નથી, આજ સુધી!

શ્રીમદ્ ભાગવતનો દશમસ્કંધ મસ્તીભર્યો છે. બાળકેળવણીના કેટલા મોટા સિદ્ધાંતો એમાં આપી દીધા છે. એક વાર  કાનાએ માટી ખાધી, બલરામે જઈને ફરિયાદ કરી : ‘મા, આ કાનો માટી ખાય છે!’ મા કહે : ‘અહીંયા આવ, માટી ખાય છે? ઘરમાં દૂધ નથી? દહીં નથી? માખણ નથી? તે માટી ખાવા બેઠો!’  કાનો તો બે દાંત દબાવીને કહે : ‘અં..હં..’ મા પરાણે મોઢું ખોલાવે છે અને ભાગવતકાર કહે છે કે, તેણે મોઢું ખોલાવ્યું તો તેને ચૌદ બ્રહ્માંડ દેખાયાં! અહીં લાલો બાળક નથી, પણ બાળસ્વરૃપે શિક્ષક છે. એ બાળકની અંદર નિગૂઢ રીતે પડેલી શક્તિનાં માને દર્શન કરાવે છે. યશોદા ભાગ્યશાળી છે કે તે વિરાટ સ્વરૃપને પારખી શકે તેવી માતા હતાં! ચૌદ બ્રહ્માંડ એટલે બાળકની અંદર રહેલાં અમીબાથી માંડીને મહાત્મા ગાંધી સુધીની શક્યતાના અંશો! નાનકડા કૃષ્ણ જગતની દરેક માતાને કહે છે કે, યશોદાજીએ જે નિહાળ્યું તે તમે પણ નિહાળો અને બાળકને માત્ર બાળક માની લેવાની ભૂલ ન કરો. નાનકડો શિક્ષક સંદેશ આપે છે : Dont under Estimate any child on the Earth 

મનુભાઈ પંચોલી ‘દર્શક’ સરસ પ્રસંગ ટાંકે છે : એક વાર કૃષ્ણને બાંધ્યા (જેને ઊખળબંધન કહે છે). કૃષ્ણ તો ભોળા-ડાહ્યા છોકરાની જેમ ઊભા રહ્યા. દોરડું મંગાવ્યું તે ટૂંકું પડ્યું. બીજું મંગાવ્યું, તે પણ ટંૂકંુ પડ્યું. ઘરમાં જેટલાં દોરડાં હતાં તે મંગાવ્યાં, પણ ટૂંકાં પડ્યાં. પ્રતીકાત્મક રીતે કૃષ્ણે મોટો સિદ્ધાંત આપ્યો કે : ‘બાળકને તમે નહિ બાંધી શકો. કૃપા કરીને એ ધંધો મૂકી દો.’ તમે શું બાળકને બાંધશો? તેને પાટિયા સામે બેસાડી, A=B  અને B=C તો C=? એવું  પૂછો ત્યારે એનું મન તો બહાર વાછરડી ને ચકલા-પોપટમાં પરોવાયેલું છે! ‘છોકરાને બાંધવાનું આયોજન ક્યારેય ન કરતાં’ એવો સંદેશ કિશોરાવસ્થાના શિક્ષક કૃષ્ણ મને ને તમને આપે છે.

કૃષ્ણ રમત-રમતમાં કાળીનાગને નાથે ત્યારે મહર્ષિ અરવિંદ કહેતા તે યાદ આવે : ‘હું બાળકને કંઈકેટલુંય ભણાવી નાખું છું તે તો શિક્ષકનો ભ્રમ છે. તમે બાળકને કશું શીખવાડતા નથી, કારણ બાળકમાં પૂર્ણત્વ પડેલું જ છે.’ હા, એરિસ્ટોટલની વાત સાચી લાગે કે : ‘હું બાળકને કશું શીખવતો નથી, પણ બાળક શીખવા પ્રેરાય તેવું વાતાવરણ નિર્માણ કરી આપું છું.’ રમત રમતા કૃષ્ણ ભૂલથી દડાને તળાવમાં નથી જવા દેતા, તેને તો કાળીનાગને નાથીને જગવ્યથા દૂર કરવી છે એટલે ચાલાકીથી દડો લેવાનો ત્રાગડો રચે છે! ‘બાળકની મૌલિકતા આપણી સમજ બહારની છે, તેને વ્યક્ત થવા દો,’ની ઢાંકેલી શીખ ‘તરુણ-શિક્ષક શ્રીકૃષ્ણ’ આજના શિક્ષકોને આપી જાય છે! અને આમ કૃષ્ણ informal teacher  છે. તેનો કોઈ અભ્યાસક્રમ નથી, ટાઇમટેબલ નથી, વર્ગખંડ નથી, તે તો Life time Educationના પ્રણેતા છે. કૃષ્ણ જીવ્યા જ એવી રીતે કે જાણે પોતાનાં જીવનકાર્યોથી જ કંઈક કશુંક શીખવતા રહ્યા. ‘વિદ્યાર્થી અખૂટ શક્તિનો ભંડાર છે’ આ વાતને તેમણે કહ્યા વગર ઉજાગર કરી, પોતાના જીવનથી જ પુરવાર કરી! તેરમે વર્ષે રાસલીલા રમે અને પંદરમે વર્ષે કંસને મારે! પંદરમે વર્ષે કોઈ છોકરો એમ કહે કે, હું કંસને મારી શકું છું, એ કેટલો મોટો આત્મવિશ્વાસ કહેવાય! અને આશ્ચર્ય એ વાતનું કે કંસને મારી પછી પોતાનાં માતા-પિતાને છોડાવવા કૃષ્ણ કારાગારમાં જાય છે, તેમને પગે લાગે છે અને દેવકી એને છાતીએ લગાડે છે. ઉગ્રસેન કહે છે : ‘હવે તું ગાદીએ બેસ.’ ત્યારે કૃષ્ણ વાસુદેવની સામે જોઈ કહે છે : ‘પિતાજી, અમે અત્યાર સુધી ભણ્યા નથી અને નેસડામાં રહ્યા છીએ. ત્યાં અમને કોણ ભણાવે? તો અમને ભણવા મોકલો.’ પંદરમે વર્ષે સાંદીપનિના આશ્રમમાં કૃષ્ણ ભણવા જાય અને ૬૪ દિવસમાં ૬૪ કળા શીખ્યાં. માનીએ કે આ કાવ્ય છે, તો પણ કૃષ્ણ જગશિક્ષક બની અંગુલિનિર્દેશ કરે છે કે, વિદ્યાર્થી બધું જલ્દી શીખી શકે જો તે શેરી-મહોલ્લામાં રમી-ભમી, ઘર-કુટુંબમાં હળી-મળી અને નદી-નાળે રખડી-ભટકીને પછી ભણવા તરફ વળે તો! બાળકને બે છોડ ઉછેરવા દો, બે કૂતરાંનાં ગલૂડિયાં માટે શીરો બનાવવા દો, ગાયની વાછરડી સાથે રમવા દો અને જીવનનું ચૈતન્ય માણ્યા પછી તેને શાસ્ત્રનાં થોથાં વચ્ચે લઈ જાઓ તો કશું જ વણસ્પર્શ્યું નહીં રહે! કૃષ્ણની જેમ કડકડાટ ભણશે.

કૃષ્ણ જેવો શિક્ષક ક્યાં મળે? દોસ્તી એટલે શું- મૈત્રી કેવી હોય- પ્રેમ કેમ કરાય- જય, પરાજય કેમ ખમાય- દુ:ખ કેવું- સુખ કેટલું- વિરહ કેવો- સેવા એટલે શું- શાસન, યુદ્ધ, વિષ્ટિ કેમ અને ક્યારે- આવા અનેક પ્રશ્નોના જવાબ આપણને કૃષ્ણના જીવનમાંથી મળે છે. ના, એક ભગવાન તરીકે નહીં, પ્રશ્નો ખુદ જીવી બતાડનાર શિક્ષક તરીકે. પોતાના શિષ્યના રથના સારથિ થઈ શકે એવા ગુરુ ક્યારેય કલ્પ્યા છે? વિદ્યાર્થીને ગહન રહસ્યો સમજાવીને પછી જે એમ કહે કે : ‘યથેચ્છસિ તથા કુરુ’ (તને યોગ્ય લાગે તે કર) તે સાંગોપાંગ શિક્ષક શ્રીકૃષ્ણ! અને આવા શિક્ષકનો વિદ્યાર્થી પણ બધું સમજ્યા પછી, જે કરવું હોય તે કરવાની છૂટ મલી હોય તેમ છતાં કહે : ‘કરિષ્યે વચનમ્ તવ્’ (તમે કહેશો તેમ કરીશ). અર્જુન જેવા પાર્થને જીવન-રહસ્યો શીખવનાર નખશિખ શિક્ષકત્વ તે આનું નામ. (લેખક એજ્યુકેશન, અદાણી ફાઉન્ડેશનના ડાયરેક્ટર છે.)

ડૉ. ભદ્રાયુ વછરાજાની

You might also like