મ.પ્ર.માં પ્રચંડ ગેસ સિલિન્ડર બ્લાસ્ટઃ ૪૦નાં મોત, ૧૫૦ ઘાયલ

ઝાબુઆઃ મધ્યપ્રદેશના ઝાબુઆના પેટલાવાદ કસબામાં આજે સવારે ૮.૩૦ કલાકની આસપાસ બસસ્ટેન્ડ નજીક એક હોટલમાં ગેસ સિલિન્ડર ફાટતાં ૪૦ લોકોનાં મોત થયાં છે અને ૧૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે. બસસ્ટેન્ડ પર લોકોની ભારે ભીડ હતી ત્યારે આ બ્લાસ્ટ થતાં મોટા પાયે ખુંવારી થઈ છે.

આ દુર્ઘટના અંગે માહિતી આપતાં મધ્ય પ્રદેશના ગૃહપ્રધાન બાબુલાલ ગૌરેએ જણાવ્યું હતું કે જ્યારે બસસ્ટેન્ડ પર મોટી સંખ્યામાં લોકો જમા થયા હતા ત્યારે નજીકની એક રેસ્ટોરાંમાં ગેસ સિલિન્ડરમાં થયેલા પ્રચંડ ધડાકાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્રારંભિક અહેવાલો અનુસાર ૪૦ લોકોનાં મૃત્યુ થયાં છે, જોકે બાબુલાલ ગૌરના જણાવ્યા પ્રમાણે મૃત્યુઆંક વધી શકે છે. આ દુર્ઘટનામાં તપાસ કરવામાં આવશે એવું પણ તેમણે જણાવ્યું છે.

આ દુર્ઘટનાની વિગતો એવી છે કે ઝાબુઆના પેટલાવાદ બસસ્ટેન્ડ પર આજે સવારે હંમેશની માફક લોકોની મોટી સંખ્યામાં અવરજવર ચાલુ હતી. બસસ્ટેન્ડ પર ભારે ભીડ હતી ત્યારે અચાનક બસસ્ટેન્ડ નજીકની એક હોટલમાં ગેસ સિલિન્ડર ફાટ્યું હતું અને આ દરમિયાન ૪૦ લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યાં હતાં. જ્યારે ૧૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનાની ભયાનકતા જોતાં મૃત્યુઆંક હજુ વધી શકે છે. હાલ તુરત એએસપીએ ૪૦ લોકોનાં મૃત્યુ થયાની વાતને સમર્થન આપ્યું છે.

જે હોટલમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો છે તેની નજીક એક વિસ્ફોટકોનું ગોડાઉન પણ હતું, જેના કારણે દુર્ઘટનાની ભયાનકતા વધી ગઈ હતી. આ ગોડાઉન બે માળનું છે, જેમાં વિસ્ફોટક સામગ્રી રાખવામાં આવી હતી અને હોટલમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ નજીકના આ ગોડાઉનમાં ધડાધડ વિસ્ફોટકો ફાટવા લાગ્યા હતા, જેના પગલે સમગ્ર ઈમારતના ફૂરચેફૂરચા ઊડી ગયા હતા. મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલ ખાતે રાજ્યના ગૃહપ્રધાન બાબુલાલ ગૌરે આ દુર્ઘટનામાં તપાસના આદેશ જારી કર્યા છે. તેમણે એવું પણ જણાવ્યું છે કે મૃતકોનાં પરિવારજનો અને ઘાયલોને યોગ્ય વળતર આપવામાં આવશે.

You might also like