મ્યુનિ. ચૂંટણી પર સ્ટેઃ સરકારને સુપ્રીમ કોર્ટના ઓર્ડરની પ્રતીક્ષા

અમદાવાદઃ રાજ્યમાં આગામી ઓક્ટોબર મહિનામાં યોજાનારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટના સ્ટેના પગલે અત્યારે તો મહાબ્રેક લાગી છે. આને કારણે સામાન્ય નાગરિકોના મનમાં પણ ચૂંટણી સમયસર યોજાશે કે કેમ? તે અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે. બીજી તરફ રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટના ઓર્ડરની પ્રતીક્ષા છે.

સુપ્રીમ કોર્ટે ગત શુક્રવાર તા.૪ સપ્ટેમ્બરે ગુજરાતમાં એક વોર્ડમાં એક કરતાં વધુ ઉમેદવારોના મામલે મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજવા સામે સ્ટે આપ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે ૧પ દિવસમાં રાજ્ય સરકારને તેનો જવાબ રજૂ કરવા જણાવ્યું છે.

એટલે હવે રાજ્ય સરકારે આગામી તા.૧૯ સપ્ટેમ્બર સુધીમાં સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કરવાનો રહેશે. આમ સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કરવાના મામલે દિવસોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂકયું છે, રાજ્ય સરકારના પ્રવકતા ની‌િતન પટેલ કહે છે કે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં સ્ટે સામે કઇ તારીખે જવાબ રજૂ કરશે તે વિશે અત્યારે તો એટલું જ કહેવાનું છે કે સરકારને હજુ ઓર્ડર જ મળ્યો નથી. આજે ઓર્ડર મળશે તેમ લાગે છે. ત્યાર પછી સરકાર તરફથી જવાબ રજૂ કરવાની દિશામાં કાર્યવાહી કરાશે.

રાજ્ય ચૂંટણીપંચના ચૂંટણી કમિશનર વરેશ સિંહાને આ અંગે પૂછતાં તેમણે સ્ટે સામે રાજ્ય સરકારના જવાબ રજૂ કરવાની કોઇ ચોક્કસ તારીખ આપવાનો ઇનકાર કર્યો હતો

અમદાવાદ કોર્પોરેશનના શાસકો નિરીક્ષક તરીકે અન્ય શહેરમાં ગયાઆગામી ચૂંટણીમાં એક વોર્ડમાં ચાર કોર્પોરેટરની થિયરીને સુપ્રીમ કોર્ટની લીલીઝંડી મળશે તેવું દૃઢપણે માનીને અમદાવાદ કોર્પોરેશનના ભાજપના શાસકો મીનાક્ષીબહેન પટેલ, પ્રવીણ પટેલ વગેરે સુરત, વડોદરા જેવી અન્ય કોર્પોરેશનમાં નિરીક્ષકની ફરજ બજાવી રહ્યા છે. આવતીકાલે આ કામગીરીનો છેલ્લો દિવસ છે ત્યાર બાદ ભાજપ હાઇકમાન્ડને આ નિરીક્ષકો દ્વારા ઉમેદવારો અંગેનો રિપોર્ટ આપશે.

ડિસેમ્બરમાં ચૂંટણી યોજાય તેવી ચર્ચાઅમદાવાદ મ્યુનિ.  કોર્પોરેશનની ચૂંટણી ૩૦ ઓકટોબર પહેલાં યોજીને નવી પાંચ વર્ષની ટર્મ માટે નવા શાસકો નક્કી કરવા કાયદાની દૃષ્ટિએ ફરજિયાત છે. આ સંજોગોમાં જો ઝડપથી સુપ્રીમ કોર્ટનો સ્ટે નહીં ઊઠે તો નવરાત્રીના તહેવારો, ત્યાર બાદનું દિવાળીનું વેકેશન વગેરે જોતાં ડિસેમ્બરના પહેલા કે બીજા અઠવા‌િડયામાંં ચૂંટણી યોજાય તેવી શકયતા છે.

એક વોર્ડમાં એક કોર્પોરેટરથી ભાજપમાં ફફડાટએક વોર્ડમાં ત્રણ કે ચાર કોર્પોરેટરની જગ્યાએ એક કોર્પોરેટરી નીતિને જો સુપ્રીમ કોર્ટ માન્ય રાખે તો ભાજપને જબ્બર ફટકો પડે તેમ છે. ભાજપના સૂત્રો કહે છે કે જો રપ,૦૦૦ની વસ્તીનો વોર્ડ બનીને જે તે સમાજમાં પ્રભુત્વ ધરાવતા ઉમેદવાર માંડ પ,૦૦૦ મત મેળવીને પણ ચૂંટણી જીતી જશે. પરિણામે જ્ઞાતિ-જાતિવાદી સમીકરણ જ મહત્ત્વપૂર્ણ બનશે. પક્ષ કે પક્ષના નેતાઓનો કરિશ્મા અદૃશ્ય થઇ જશે. આ ઉપરાંત પાટીદાર આંદોલનથી પણ જો કોઇ પાટીદારોના વોર્ડમાં પાટીદાર આગેવાન અપક્ષ તરીકે ઊભો રહે તો પણ ભાજપ જેવા રાષ્ટ્રીય પક્ષના સુપડાં સાફ કરી શકે તેમ છે. આ બધા કારણસર ભાજપમાં ફફડાટ પેઠો છે.

You might also like