મ્યાંમાર જેવું ઓપરેશન દાઉદ-હાફિઝ માટે પણ થઈ શકેઃ રાઠોડ

નવી દિલ્હી : કેન્દ્રિય મંત્રી રાજયવર્ધનસિંહ રાઠોડે રવિવારે નિવેદન આપતાં જણાવ્યું હતું કે દાઉદ ઈબ્રાહીમ, લશ્કર એ તૈયબાના પ્રમુખ હાફિઝ સઈદ જેવા ભારતના દુશ્મનોએ એ વિચારવાની ભૂલ કયારેય ન કરવી કે ભારત તેમના વિશે કંઈ વિચારતું નથી. એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં રાઠોડને જયારે પૂછવામાં આવ્યું હતું કે સરકાર ૧૯૯૩ના મુંબઈ વિસ્ફોટોના મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહીમ અને ભારતના અન્ય વોન્ટેડ આરોપી સઈદ વિશે શું વિચારી રહી છે ત્યારે જવાબ આપતા કહ્યું હતું કે ભારત તેના દુશ્મનોના સફાયા માટે હંમેશા તૈયાર રહે છે.

તેમને જયારે એમ પૂછવામાં આવ્યું કે દાઉદ ઈબ્રાહીમ જેવા ભાગેડું અને સઈદ પાકિસ્તાનમાં ખૂબ એશોઆરામથી જીવી રહ્યાં છે ત્યારે જવાબમાં રાઠોડે સ્પષ્ટપણે કહી દીધું કે તેમણે કયારેય એ વિચારવાની ભૂલ ન કરવી કે ભારત તેમના વિશે કંઈ વિચારતું નથી. સરકાર આ આરોપીઓ સામે સામ, દામ, દંડ, ભેદ જેવા તમામ હથિયારો અપનાવશે. રાઠોરને પૂછવામાં આવ્યું હતું કે સરકારે અત્યાર સુધી પાકિસ્તાનમાં છૂપાઈ બેઠેલા આ આરોપી માટે ડોઝિયર આપ્યાં સિવાય સરકારે કંઈ કર્યું નથી ત્યારે તેમણે કહ્યું હતું કે ડોઝિયર સિવાય પણ સરકાર અન્ય રસ્તા અજમાવશે.

રાજયવર્ધનસિંહ કેન્દ્ર સરકારમાં રાઠોડ સૂચના અને પ્રસારણ મંત્રી છે. તેમને જયારે એમ પૂછવામાં આવ્યું હતું કે મ્યાંમારમાં ભારતીય સેના જો ઘૂસણખોરો સામે સ્પેશિયલ ઓપરેશન કરી શકે છે તો દાઉદ વિરુધ્ધ કેમ નહીં? જવાબમાં તેમણે કહ્યું કે ભારત દાઉદ સામે પણ આ પ્રકારનું ઓપરેશન કરે તેવું બની શકે છે પરંતુ તેની અગાઉથી કોઈ જ ચર્ચા કરવામાં નહીં આવે. સરકાર આવા ઓપરેશનને કેવો દરજ્જો આપે છે તેની ઉપર નિર્ભર છે કે ઓપરેશન થયા પછી તે વિશે જાણકારી આપવામાં આવે કે નહીં. તે કોવર્ટ ઓપરેશન કે પછી સ્પેશિયલ ઓપરેશન પણ હોઈ શકે.

રાઠોડે ભારતના દુશ્મનોને ચેતવણી આપતાં કહી દીધું હતું કે હિન્દુસ્તાનના દુશ્મનો દુનિયામાં ગમે ત્યાં બેઠા હશે પરંતુ તેમણે એ સમજવાની ભૂલ ન કરવી કે ભારત તેમના વિશે કઈ વિચારતું નથી. કોઈ પણ પ્રકારના સ્પેશિયલ ઓપરેશનની ચર્ચા કયારેય પહેલા થતી નથી. જો કે રાઠોડે સાથે સાથે એમ પણ કહી દીધુ હતું કે સરકાર હજુ પણ વિચારે છે કે પાકિસ્તાન સાથે સંબંધોમાં આગળ વધવા માટે વાતચીત જ સૌથી સારો વિકલ્પ છે. પરંતુ અત્યારના સંજોગોમાં આતંકવાદનો ખાતમો થાય પછી જ વાતચીત થઈ શકે.

You might also like