મોહન ભાગવત ગંગામાં પડતાં માંડ માંડ બચ્યા

ઋષિકેશઃ ઋષિકેશમાં ગંગા ઘાટ પર આચમન કરતી વખતે આરએસએસના પ્રમુખ મોહન ભાગવતનો પગ લપસતાં ગંગા નદીમાં પડતાં પડતાં રહી ગયા હતા. સંઘના પ્રાંત પ્રચારક યુદ્ધવીરે તેમને પકડીને ગંગામાં પડતા બચાવી લીધા હતા. મોહન ભાગવત શીશમઝાડી સ્થિત દયાનંદ આશ્રમમાં સંત સ્વામી દયાનંદ સરસ્વતીને શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવત શુક્રવારે સાંજે ૪-૦૦ વાગ્યે દયાનંદ આશ્રમ પહોંચ્યા હતા. આશ્રમ સંકુલમાં બ્રહ્મલીન સ્વામી દયાનંદ સરસ્વતીના જમીન સમાધિ સ્થળ પર પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. થોડી વાર સમાધિની બાજુમાં બેસીને આશ્રમના સ્વામી શુદ્ધાનંદ મહારાજ પાસેથી બ્રહ્મલીન સ્વામી દયાનંદ મહારાજ અંગે જાણકારી મેળવી હતી.

ત્યાર બાદ ભાગવત ગંગા ઘાટ પર ગંગાજળનું આચમન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે સંઘ અને ભાજપના પદાધિકારીઓ પણ હતા. આ દરમિયાન ગંગા ઘાટ પર અચાનક આરએસએસના પ્રમુખ મોહન ભાગવતનો પગ લપસવાથી તેઓ ડગી ગયા હતા. એ તો સારું હતું કે ત્યાં ઉપસ્થિત પ્રાંત પ્રચારક યુદ્ધવીરે તેમને પકડી લીધા હતા અને તેમને ગંગામાં પડતા બચાવી લીધા હતા.

બીજી બાજુ પત્રકારો સાથેની વાતચીતમાં મોહન ભાગવતે જણાવ્યું હતું કે સ્વામી દયાનંદ સરસ્વતી મહાન સંત હતા. ભાગવતે સ્વયં તેમની પાસેથી અનેક વખત માર્ગદર્શન મેળવ્યું હતું. તેમના વ્યવહારિક જીવનથી આપણને ઘણું શીખવા મળ્યું છે. એવું ભાગવતે જણાવ્યું હતું.

You might also like