મોદી  સહિત ૧૪ નેતાઓની સભા પર હુમલાનો ભય

નવી દિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણીને પગલે નેતાઓની ચૂંટણીસભાઓ પર હવે ખતરાની આશંકા જોવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવાના નિર્દેશો જારી થયા છે. ગુપ્તચર એજન્સીઓએ એવો અહેવાલ આપ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને અમિત શાહ સહિતના ૧૪ જેટલા નેતાઓની સભા પર આતંકી અથવા નકસલી હમલાનો ખતરો તોળાઈ રહ્યો છે.

ગુપ્તચરોના અહેવાલમાં એવી જાણકારી અપાઈ છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને કેટલાક રાજયોના મુખ્યમંત્રીઓની થનારી સભાને પગલે સુરક્ષાનો વધુ કડક પ્રબંધ કરવામાં આવશે. ચૂંટણીસભાઓ દરમિયાન હવે સડકથી લઈને આકાશ સુધી નજર રાખવી પડશે. ગુપ્તચર વિભાગ દ્વારા વડાપ્રધાન સહિત ૧૪ નેતાઓની ચૂંટણીસભા પર આતંકી હમલાની અથવા નકસલી હમલાની આશંકા વ્યકત કરાઈ છે અને આ રિપોર્ટને લઈને ગૃહ મંત્રાલય ખૂબ જ ગંભીર બની ગયું છે.

વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભારત-નેપાળની ખુલ્લી રહેલી સીમાનો લાભ આતંકવાદીઓ અને ઉગ્રવાદી સંગઠનો લઈ શકે છે તેવી પણ શંકા છે. નેપાળમાં આંદોલન ચાલી રહ્યું છે ત્યારે બોર્ડર ગાર્ડિંગ ફોર્સને એલર્ટ રહેવાનો નિર્દેશ અપાયો છે. વિધાનસભા ચૂંટણીને પગલે મોટા નેતાઓની ચૂંટણીસભા વખતે વિશેષ સુરક્ષાવ્યવસ્થા કરવાના નિર્દેશો તમામ પોલીસવડાઓને જારી કરી દેવાયા છે.

જે નેતાઓની સભા પર ખતરો છે તેમાં એલ.કે. અડવાણી, રાજનાથસિંઘ, નીતીશકુમાર, જીતનરામ માંઝી, લાલુપ્રસાદ યાદવ, અખિલેશ યાદવ, સુશીલ મોદી વગેરેનો સમાવેશ થાય છે. આશ્ચર્યજનક રીતે પ્રિયંકા ગાંધીનું પણ આ લિસ્ટમાં નામ છે. બિહાર વિધાનસભાની ચૂંટણી ઉપર ૨૦,૦૦૦ કરોડનો સટ્ટો લાગ્યો છે. બિહારથી લઈને મુંબઇ અને દિલ્હી સુધી હલચલ છે. બુકીઓ નિરંતર પટણામાં પોતાના નેટવર્કથી મહાગઠબંધન અને એનડીએની પોઝિશનથી અપડેટ થઇ રહ્યા છે.

સટ્ટાબજારમાં ભાવ પણ રોજેરોજ ફરી રહ્યા છે. થોડા સમય પહેલા મહાગઠબંધન આગળ હતું તો હવે એનડીએ આગળ છે. ભાજપના નેતૃત્વવાળા એનડીએને ૧૩૫, જેડીયુને ૬૦થી ૬૨, રાજદને ૩૫થી ૩૬ અને કોંગ્રેસને એક આંકડામાં બેઠક મળશે તે આધારે દાવ ખેલાય છે. બુકીઓ રાજકીય નેતાઓની સભા ઉપર પણ નજર રાખી રહ્યા છે. વલ્ર્ડકપ કે ૨૦-૨૦ જેવો કોઇ મુકાબલો અત્યારે નથી પણ સટ્ટાબજાર માટે બિહારથી ચૂંટણી ટ્વેન્ટી-ટ્વેન્ટી છે.

એટલે કે કોઇ પણ સમયે સ્લગ ઓવર નબળી બોલિંગ, ૬ છગ્ગા કે હેટ્રીકથી ખેલનું વલણ બદલાવી શકે છે. સટ્ટાબજાર માટે બિહાર ચૂંટણી હજુ હોટ કેક બનેલ છે. બુકીઓ ભાજપ, જેડીયુ, રાજદ, કોંગ્રેસ ઉપર દાવ ખેલે છે. જો ભાજપ ૮૫ બેઠક લાવે તો ૧ રૃપિયો લગાવવા પર ૩૮ પૈસા મળે છે. એટલે કે સટ્ટાબજાર માને છે કે ભાજપને આનાથી વધુ બેઠકો મળશે. ૯૦ બેઠક પર ૭૨ પૈસાનો રેટ છે. ૯૫ પર ૧.૧૫ પૈસાનો ભાવ છે. સટ્ટાબજારને વિશ્વાસ છે કે ભાજપને ૯૦ આસપાસ બેઠકો આવશે.

જેડીયુની ૬૦ બેઠક પર ૩૬ પૈસાનો રેટ ખૂલ્યો છે. ૬૫ બેઠક મળવા પર ૭૫ પૈસા ૭૦ પર ૧.૩૦ પૈસા, ૭૫ પર ૨.૮૦ અને ૮૦ પર ૬ રૃપિયા ભાવ છે એટલે કે બુકીઓ માને છે કે જેડીયુને ૬૫-૬૬ બેઠકો મળશે. રાજદને ૩૦ બેઠકો મળવાની શકયતા છે. બુકી આ માટે ૪૦ પૈસા આપે છે. ૩૫ બેઠક પર ૯૦ પૈસા ભાવ છે.

You might also like