મોદી સરકારના પ્રધાન રાધેમાને બચાવી રહ્યા છેઃ ડોલી બિન્દ્રા

ચંડીગઢઃ મોદી સરકારના સામાજિક ન્યાય પ્રધાન વિજય સાંપલા રાધેમાને બચાવી રહ્યા હોવાનો આક્ષેપ અભિનેત્રી ડોલી બિન્દ્રાએ કર્યો છે. ચંડીગઢ ખાતે એક પત્રકાર પરિષદમાં ડોલીએ પહેલાં તો આ પ્રધાનનું નામ લીધું નહોતું, પરંતુ પાછળથી ચેનલો સાથેની વાતચીતમાં ડોલીએ પ્રધાનના નામનો ઘટસ્ફોટ કર્યો હતો. ડોલીએ જણાવ્યું હતું કે રાધેમા સામે મુંબઇથી પંજાબ સુધી કેટલાયે કેસ થયા છે, પરંતુ ભાજપના સાંસદ અને સામાજિક ન્યાય પ્રધાન વિજય સાંપલા તેમને બચાવે છે. આ કારણસર રાધેમા સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

આ અગાઉ ડોલીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ર૦૧૪માં ચંડીગઢમાં રાધેમાની હાજરીમાં જ એક આઇપીએસ અધિકારીના ઘરે તેના પર બળાત્કારની કોશિશ થઇ હતી. ત્રણ દિવસ પહેલાં ડોલી બિન્દ્રાએ ચંડીગઢના એસએસપીને આ કેસની ફરિયાદ કરી હતી.

સામાજિક ન્યાય પ્રધાન વિજય સાંપલા મોદી સરકારમાં સામેલ છે. તેઓ પંજાબના હોશિયારપુરથી ભાજપના સાંસદ છે. સાંપલા રાધેમાના સમર્થક છે અને રાધેમા પણ હોશિયારપુરની રહેવાસી છે. 

ડોલીના આક્ષેપ અંગે ખુલાસો કરતાં પ્રધાન સાંપલાએ જણાવ્યું હતું કે ડોલી કદાચ પબ્લિસિટી મેેળવવા આવું કરી રહી હોય, મારે આ મામલા સાથે કોઇ જ નિસબત નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારા હિસાબે મેં કોઇ જ ભૂલ કરી નથી. એફઆઇઆર દાખલ થવાનો અર્થ એ નથી કે હું ગુનેગાર છું.

You might also like