મોદી વચનો પુરા કરવામાં નિષ્ફળઃ રાહુલ ગાંધીનો દાવો

મથુરા : કોંગ્રેસના ઉપાધ્યક્ષ  રાહુલ ગાંધીએ આજે મથુરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારોનો મારો જારી રાખ્યો હતો. ઉત્તરપ્રદેશમાં વર્ષ ૨૦૧૭ની શરૂઆતમાં વિધાનસભાની ચુંટણી યોજાનાર છે ત્યારે પક્ષની સ્થિતિને પહેલાથી જ મજબુત કરવાની કવાયત કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવી છે. રાહુલે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીને એપલ માટે જે રીતે સ્ટીવ જોબે કામગીરી કરી હતી તે રીતે કામ કરવાની જરૂર છે. નેતાઓના જ નહીં બલ્કે કાર્યકરોના અભિપ્રાય લેવાની જરૂર છે.

ચિંતન શિબીર સતત યોજવામાં આવે તે પણ જરૂરી છે. કોંગ્રેસ પાર્ટીના ઉત્તરપ્રદેશ એકમની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાહુલ ગાંધી હાજરી આપી રહ્યા છે. રાજ્યમાં પક્ષની વ્યુહરચનાની ચકાસણી કરવા મથુરા પહોંચેલા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, મોદી પોતાને નુકશાન કરી રહ્યા છે અને એક દિવસે તેમને પોતાને ભારે નુકશાન થશે.

વર્ષ ૨૦૧૪ની સામાન્ય ચુંટણી દરમિયાન  તેમના દ્વારા આપવામાં આવેલા વચનો મોદી દ્વારા પુરા કરવામાં આવી રહ્યા નથી. દેશના ખેડૂતો પણ આનાથી નાખુશ છે. વડાપ્રધાને ખેડૂતોને લઘુતમ સમર્થન મુલ્યો વધારવાની ખાતરી આપી હતી. પરંતુ હજુ સુધી આ ખાતરી પાડવામાં આવી નથી. ખેડૂતો અચ્છે દિન ક્યારે આવશે તેને લઈને પરેશાન થયેલા છે. દરેક રાજ્યમાં ખેડૂતો હવે આત્મહત્યા કરી રહ્યા છે. જે રાજ્યોમાં પણ તેઓ જઈ રહ્યા છે. ખેડૂતો હવે સરકારની ટિકા કરી રહ્યા નથી બલ્કે મોદી પ્રત્યે નફરત પણ ધરાવે છે.

મોદીએ યુવાનોને ખાતરી આપી હતી કે અચ્છે દિન આવશે, તેમને રોજગારી મળશે. પરંતુ એક પણ યુવાનને નોકરી મળી નથી. સેનાના પૂર્વ જવાનોને પણ ખાતરી આપી હતી કે વન રેંક વન પેંશનને અમલી બનાવી દેવામાં આવશે. સેનાના પૂર્વ જવાનો હજુ પણ સરકાર પાસેથી લેખિતમાં આદેશોની માંગ કરી રહ્યા છે. મોદી ઉપર ટાર્ગેટ રાખીને તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આક્રમક રીતે ખેડૂતો અને દેશના યુવાનોના મુદ્દાને ઉઠાવશે. રાજ્યમાં પક્ષની સ્થિતિને મજબુત કરવા રાહુલે કાર્યકરોને અપીલ કરી હતી. ઉત્તરપ્રદેશમાં પાર્ટીની સ્થિતિ હાલમાં ખૂબ જ કફોડી બનેલી છે, જેને મજબુત કરવામાં આવે તે જરૂરી છે.

You might also like