મોદી ગુજરાતનાં CM હોત તો પટેલોને અનામત મળી ગયું હોત : હાર્દિક

નવી દિલ્હી : ગુજરાતમાં અનામતની આગ સળગાવ્યા બાદ રવિવારે દિલ્હી પહોંચેલા હાર્દિક પટેલ આક્રમક અંદાજમાં જોવા મળ્યો હતો. હાર્દિક પટેલે મીડિયા સાથે વાત કરી હતી અને મીડિયાનાં દરેક સવાલનો પોતોનાં જ અંદાજમાં જવાબ આપ્યો હતો. હાર્દિકે આ પ્રસંગે કહ્યું કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં  ડોઢ દશક સુધી રાજ કર્યું, તેમને ખ્યાલ હશે કે કયા સમાજને કઇ વસ્તુની જરૂર છે. તેથી જો અત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હોત તો પટેલોને અનામત્ત મળી ચુકી હોત. 

હાર્દિકે કહ્યું કે આ આંદોલનની ગુજરાતમાં તો માત્ર શરૂઆત છે પરંતુ આ આંદોલન આખા દેશમાં લઇ જશે. હાર્દિકે પોતાનાં સમુદાયને ભરોસામાં લેવા માટે કહ્યું કે જ્યાં પણ મારી જરૂર હશે ત્યાં હું જઇશ.તેમણે કહ્યું કે અમે જંતર મંતરથી લઇને લખનઉ સુધી પ્રદર્શન અંગેની યોજનાઓ બનાવી રહ્યા છીએ. 

હાર્દિકે ગુજરાત પ્રદર્શનને મેરેથોન પ્રદર્શન જણાવ્યું હતું. તેણે જણાવ્યું કે અમારી લડાઇ પટેલોને ઓબીસીમાં સમાવવાનાં મુદ્દે છે. મીડિયાનાં એક સવાલનાં જવાબમાં તેણે કહ્યું કે સમાન્ય રીતે કોંગ્રેસનાં લોકો મને ભાજપનો માણસ કહે છે. તથા અન્ય પાર્ટીનાં લોકો પોતાની વિરુદ્ધની પાર્ટીની સાથે મને જોડતા રહે છે.જો કે હું કોઇ પાર્ટી સાથે જોડાયેલો નથી. જે લોકો એકત્ર થઇ રહ્યા છે તે માત્ર પટેલો છે કોઇ પાર્ટીનાં કાર્યકર્તાઓ નહી.

હાર્દિકે કહ્યું કે તે આ આંદોલનમાં જાટ અને ગુર્જરોનો સાથ પણ ઝંખે છે. તેમણે કહ્યું કે તે દિલ્હીમાં કોઇ નેતા કે મંત્રીને મળવા માટે નથી આવ્યો અને ન તો તેમનાં મંચ પર કોઇ પણ રાજનીતિક પાર્ટીનાં વ્યક્તિને આવકારવામાં આવશે. 

You might also like