મોદી અને શરીફ ન્યૂયોર્કની એક જ હોટલમાં ઊતરશે

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભામાં ભાગ લેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે ન્યૂયોર્ક જવા રવાના થશે. નરેન્દ્ર મોદી ન્યૂયોર્કની વોલડોર્ફ એસ્ટોરિયા હોટલમાં ઊતરશે. મહત્ત્વની વાત એ છે કે શુક્રવારે ન્યૂયોર્ક પહોંચનારા પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ પણ આ જ હોટલમાં ઊતરવાના છે. આમ, મોદી અને શરીફ ન્યૂયોર્કમાં એક જ હોટલમાં ઊતરવાના હોવાથી બંને દેશના વડા પ્રધાનો વચ્ચે મુલાકાત થશે કે માત્ર હસ્તધૂનન જ કરશે એ અંગે રાજકીય સૂત્રોમાં તર્કવિતર્કો વહેતા થઈ ગયા છે.

ભારત અને પાકિસ્તાન બંનેએ સમર્થન આપ્યું છે કે બંને વડા પ્રધાનો એક જ હોટલમાં ઊતરશે. આ હોટલને તાજેતરમાં ચીનની એક કંપનીએ ખરીદી છે. ભારતીય વિદેશ મંત્રાલયનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વખતે મોદી અને શરીફ વચ્ચે દ્વિપક્ષીય વાતચીતની કોઈ શક્યતા નથી. જોકે બંને નેતાઓ એક જ હોટલમાં ઊતરવાના હોવાથી આવી શક્યતાઓ નકારી પણ શકાય તેમ નથી.

પાકિસ્તાની અધિકારીએ આ અંગે કોઈ વધુ સ્પષ્ટતા કરી નથી, પરંતુ એ‍વું માને છે કે બંને વડા પ્રધાનો એક જ હોટલમાં ઊતરવાના હોવાથી એકબીજા વચ્ચે સલામ-દૂઆ થઈ શકે છે. આ બેઠક દરમિયાન બે એવા પ્રસંગો હશે જ્યારે બંને વડા પ્રધાનો એક જ જગ્યાએ મળશે. સોમવારે અમેરિકાના પ્રમુખની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં અને શુક્રવારે બપોરે યોજાનારી એક અન્ય બેઠકમાં મોદી અને શરીફ એક જ જગ્યાએ એકબીજાને મળશે.

 

You might also like