મોદીના જન્મદિને ‘કમલમ્’ ખાતે ૬૬ કિલોની કેક કપાશે  

અમદાવાદઃ આગામી ૧૭ સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૬૫ વર્ષ પૂર્ણ કરીને ૬૬ વર્ષમાં પ્રવેશ કરશે. મોદીના જન્મદિનની ભવ્ય ઉજવણી માટેની તૈયારીઓ પ્રદેશ ભાજપ દ્વારા ‘કમલમ્’ ખાતે પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.

ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં લોકોને લાડુની વહેંચણી કરવામાં આવશે. રાજ્યના તમામ સાંસદો ધારાસભ્યો અને મ્યુ. કાઉન્સિલરો તેમના પોતપોતાના વિસ્તારોમાં લોકોને વડા પ્રધાન મોદીની જન્મદિન ઉજવણી નિમિત્તે લાડુનું વિતરણ કરશે.

કોબા સ્થિત ભાજપના ‘કમલમ્’ પ્રદેશ કાર્યાલયમાં મોદીના જન્મદિવસે ખુશાલીના ભાગ સ્વરૂપે ૬૬ કિલોની કેક કાપીને ભવ્ય ઉજવણી કરાશે. જેમાં ભાજપ સંગઠનના તમામ ઉચ્ચ હોદ્દેદારો, મહામંત્રીઓ, ઉપપ્રમુખો, ધારાસભ્યો પ્રધાનો સહિત તમામ હાજરી આપશે. આ કાર્યક્રમમાં મુખ્યત્વે રાજ્યના મુખ્યપ્રધાન આનંદીબહને પટેલ હાજરી આપશે.

ગત વર્ષે ચીનના રાષ્ટ્રપતિ જિન પિંગ આ જ સમયે ગુજરાતની મુલાકાતે હોઈને મોદીના જન્મદિનની ઉજવણી ફિકી રહી હતી. મંગળવારના રોજ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદુના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વડા પ્રધાન મોદીના જન્મદિનની ભવ્ય ઉજવણી કરવા મુદ્દે ખાસ ચર્ચા થઈ હતી તે મુજબ સમગ્ર રાજ્યમાં જન્મદિનની ઉજવણી કરવામાં આવશે.

 

You might also like