મોદીએ કર્યું ફરીદાબાદ મેટ્રોનું ઉદ્ધાટન : વિપક્ષની આકરી ઝાટકણી કાઢી

ફરીદાબાદ : હરિયાણાનાં ફરીદાબાદમાં મેટ્રોની નવી લાઇનનું ઉદ્ધાટન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન રેન્ક વન પેન્શન મુદ્દે ઉપજેલા ભ્રમને દુર કરવાનો પ્રયાસ કર્યો હતો. મોદીએ આ કામ માટે પોતાની સરકારની પીઠ થપથપાવી હતી સાથે સાથે વિરોધીઓ પર પણ શાબ્દિક પ્રહાર કર્યો હતો. મોદીએ કહ્યું કે એક એવો વડાપ્રધાન જે સેનાનો ખુબ જ આદર કરતો હોય તે સેનાનાં જવાનોને વન રેન્ક વન પેન્શન કેમ નહી આપે. તેમણે કહ્યુ કે આ મુદ્દે છેલ્લા 42 વર્ષથી લટકતો હતો. અમારી સરકારે તેનો યોગ્ય ઉકેલ કાઢ્યો. મે ગત્ત વર્ષ 13 સપ્ટેમ્બરનાં રોજ રેવાડીમાં પહેલીવાર આ અંગે વાત કરી હતી અને આજે તે વચન પુરૂ પણ કરી દીધું છે. 

વડાપ્રધાને કહ્યું કે સરકાર બન્યા બાદ હિસાબ માંડવામાં આવ્યો કે ઓઆરઓપી પર કેટલો ખર્ચ થશે. મોદીએ કહ્યું કે તમામ પાસાઓને તપાસ્યા બાદ ખ્યાલ આવ્યો કે 500 કરોડ રૂપિયાથી તો કાંઇ જ થાય તેમ નથી. આ તો 8થી10 હજાર કરોડ રૂપિયાનો મુદ્દો છે.

મોદીએ જવાનો સાથે સીધો સંવાદ સાધવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે આપણા જવાનોને વીઆરએસ મુદ્દે ભ્રમિત કરવામાં આવ્યા હતા. હું સ્પષ્ટ કરવા માંગું છું કે દેશની સેનામાં 80-90 ટકા જવાન નાનાસ્તર પર છે. તેમની સર્વિસ 15-20 વર્ષની હોય છે. હું સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે સૌથી પહેલા જો કોઇને ઓઆરઓપી મળશે તો તે આવા જવાનોને જ મળશે.

વડાપ્રધાને કહ્યું કે જવાનોનાં સન્માનથી વધારે મહત્વપુર્ણ તેમનાં માટે કાંઇ જ નથી. તેમણે કહ્યું કે હું તે સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે ઓઆરઓપીનાં કાર્યકાળ માટે જે સમીક્ષા કમિટી બનાવાઇ છે તે પે કમિશન નથી પરંતુ અમુક તત્વો દ્વારા જવાનોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. 

મોદીએ કહ્યું કે દર 10 જવાનોમાંથી 1 જવાન હરિયાણાનો હોય છે. ઓઆરઓપીથી હરિયાણાને સૌથી વધારે ફાયદો થશે અહીનીં આર્થિક સ્થિતી સુધરશે. મોદીએ પોતાનાં અંદાજમાં જ જનતા પાસે જવાબ માંગ્યો હતો. તેમણે કહ્યું કે જે લોકોને દેશની જનતાએ રિજેક્ટ કર્યા, તે લોકો હવે દેશનો વિકાસ નથી જોઇ શકતા. જેમણે 40 વર્ષ સુધી કાંઇ જ ન કર્યું તેઓ હવે મારી પાસે હિસાબ માંગી રહ્યા છે શું આ યોગ્ય છે ? જેનાં જવાબમાં લાખો લોકોની મેદનીએ કોંગ્રેસનો હુરિયો બોલાવ્યો હતો. 

You might also like