મોડી રાત્રે રિક્ષા પાર્કિંગ બાબતે બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો

અમદાવાદઃ શહેરમાં છેલ્લા દસ દિવસથી ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. દર બે દિવસે શહેરમાં જૂથ અથડામણો અને પથ્થરમારાની ઘટનાઓ બની રહી છે. અસામાજિક તત્ત્વોને પોલીસો કોઈ ડર રહ્યો નથી. 

શહેરના જૂના વાડજ વિસ્તારમાં ચંદ્રભાગા બ્રિજ નજીકના પરીક્ષિતનગરમાં ગત રાત્રે રિક્ષા પાર્કિંગ બાબતે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. બે જૂથો સામ સામે પથ્થરમારો કરી પાઈપ અને ધોકા વડે મારા મારી કરતાં ત્રણ લોકોને ઈજા થવા પામી હતી. વાડજ પોલીસે ૫૦થી ૬૦ લોકોના ટોળાં વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જૂના વાડજ ચંદ્રભાગા પુલ નીચેના પરીક્ષિતનગરમાં અને ચંદ્રભાગાનાં છાપરાં પાસે રહેતા મોહન શિવાભાઈ ડોડિયા (ઉ.વ.૬૫)ને ત્યાં જ રહેતા વિક્રમ બામણિયા, બાબુભાઈ, જયેશ, હરગોવિંદ અને વિક્રમ તથા બાબુભાઈના ભત્રીજા સાથે રિક્ષા પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતા ત્યાં આવેલી ચાલીમાંથી ૪૦થી ૫૦ માણસોનું ટોળું ધસી આવ્યું હતું અને અચાનક જ પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

આરોપીઓએ ભેગા મળી પાઈપ અને ધોકા વડે મારામારી શરૂ કરી દીધી હતી. જેના પગલે ત્રણથી ચાર લોકોને ઈજા થતાં તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. બનાવની જાણ થતાં વાડજ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. ફરી કોઈ તંગદિલી ન સર્જાય તે માટે વાડજ પોલીસે પરીક્ષિતનગરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે મોહનભાઈની ફરિયાદને આધારે ૫૦થી ૬૦ લોકોનાં ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like