મોટા બિઝનેસમેન સુધી રેલો પહોંચતાં મારિયાની બદલી કરાઈ

મુંબઇઃ શીના બોરા મર્ડર કેસની તપાસ ચલાવી રહેલા મુંબઇ પોલીસના પૂર્વ કમિશનર રાકેશ મારિયાએ પોતાને અચાનક પ્રમોશન આપીને બિનમહત્ત્વની જગ્યાએ બદલી કરવા અંગે જાહેરમાં કોઇ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ તેમના ચહેરાના ભાવ ઘણું બધું કહી જાય છે. મારિયા આ ઓર્ડરને રાજકારણ પ્રેરિત માને છે. એવું પણ કહેવાય છે કે મારિયા હવે ગમે તે ઘડીએ પોતાનું રાજીનામું સુપરત કરી દેશે.

સૌને એક પ્રશ્ન સતાવી રહ્યો છે કે રાકેશ મારિયાની એકાએક બદલી કેમ કરવામાં આવી? તેનો જવાબ માત્ર શીના બોરા હત્યાકાંડ નથી. ફડણવીસ તો મારિયાને જૂન મહિનામાં જ હટાવવા ઇચ્છતા હતા. મારિયાએ સ્વયં કબૂલ્યું હતું કે તેઓ લંડનમાં આઇપીએલના પૂર્વ કમિશનર લલિત મોદીને મળ્યા હતા ત્યારથી મારિયાનો ખુલાસો માગવામાં આવી રહ્યો હતો, પરંતુ શીના બોરા હત્યાકાંડમાં મા‌રિયાએ અંગત રસ દાખવતાં કેટલાય નેતાઓ, આઇપીએસ અને આઇએએસ અધિકારીઓને ગમ્યું નહોતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્યપ્રધાન ફડણવીસ શીના કેસમાં મારિયાના વધુ પડતા રસને લઇને નારાજ હતા. આ કેસની તપાસ સ્ટાર ઇન્ડિયાના પૂર્વ સીઇઓ પીટર મુખરજીના બેનામી વ્યવહારો અને તેમની ચેનલમાં કાળા નાણાંના રોકાણનું રહસ્ય ખૂલવા સુધી પહોંચી હતી અને તેથી દિલ્હી સુધીના નેતાઓમાં ખળભળાટ મચી ગયો હતો. 

પોલીસતંત્રમાં એવી ચર્ચા છે કે ઇન્દ્રાણી અને પીટરના આઇએનએસ ચેનલમાં દેશના એક સૌથી મોટા બિઝનેસમેને રૂ.૩૦૦ કરોડ લગાવ્યા હતા અને તે પણ મની લોન્ડરિંગ દ્વારા. મારિયાએ જ્યારે આ રહસ્યમાં ઊંડા ઊતરીને તપાસ શરૂ કરી તો તેનો રેલો આ બિઝનેસમેન સુધી પહોંચી ગયો હતો. પીટરે આ માહિતી એક વિશ્વસનીય રાજકીય સંપર્ક દ્વારા દિલ્હીના મોટા નેતા સુધી પહોંચાડી હતી. એવું પણ માનવામાં આવે છે કે મારિયા શરૂઆતથી જ એનસીપી નેતા શરદ પવારના નિકટ હતા.

You might also like