મોગલોની ગુલામીને બદલે મહારાણા પ્રતાપ-શિવાજીની કથાઅો ભણશે બાળકો

વારાણસીઃ અત્યાર સુધી એવું ભણાવાતું હતું કે અકબર મહાન. હવે મહારાણા પ્રતાપને મહાન ગણાવવા માટે સ્કૂલના પુસ્તકોમાં બદલાવની કવાયત શરૂ થઈ ગઈ છે. દેશની શિક્ષણ નીતિમાં પરિવર્તન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અનુષાંગિક સંગઠન વિદ્યા ભારતીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક શુક્રવારથી શરૂ થઈ છે. અા બેઠકમાં એવા કેટલાયે પરિવર્તનોને લઈને ત્રણ દિવસીય મંથનનો પ્રારંભ થયો છે. તેમાં દેશભરના પ્રમુખ દક્ષિણ પંથી શિક્ષણશાસ્ત્રીઅોનો મેળાવડો થયો છે.

દેશમાં પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીમાં પરિવર્તનો માટે રાષ્ટ્રીય કાર્યકારીની બેઠક શરૂ થઈ ગઈ છે. અાખરી દિવસ ૧૮ સપ્ટેમ્બરે તેના સંબંધિત મુદ્દાઅો તૈયાર કરીને મોદી સરકારને સોંપવામાં અાવશે. 

અા મંથન શિબિરનું ઉદ્ઘાટન બીએચયુના કુલપતિ પ્રોફેસર જી. સી. ત્રિપાઠીઅે કર્યું છે. તેમણે ઇતિહાસની સાથે કેટલાયે વિષયોમાં બદલાવની મજબૂતાઈથી વકીલાત કરી. વિદ્યા ભારતીની થઈ રહેલી મહત્વપૂર્ણ કાર્યકારિણી બેઠકમાં ભાગ લેવા માટે જાણીતા શિક્ષણવિદ્ પી. કે. માધવન, જયેન્દ્ર કાશી, પ્રકાશચંદ્ર, વિદ્યા ભારતીના અધ્યક્ષ ડો. ગોવિંદ શર્મા, રાષ્ટ્રીય મહામંત્રી લલિત બિહારી ગોસ્વામી સહિત ૨૯ રાજ્યોના ૧૭૦ પ્રતિનિધિઅો અાવી પહોંચ્યા છે.

પહેલા દિવસે નવી શિક્ષણ નીતિમાં યોગ શિક્ષણને અનિવાર્ય વિષયના રૂપમાં સામેલ કરવાની વાત પર જોર અપાયું. નવી પેઢીને સંસ્કાર, સ્વાભિમાન અને સ્વાવલંબનના શિક્ષણ માટે યોગ શિક્ષણને અનિવાર્ય બનાવવાની વાત પણ કહેવાઈ. તેની સાથે ઉચ્ચ શિક્ષણને રોજગાર પારખું બનાવવા માટે ઉદ્યોગોની સાથે મળીને પાઠ્યક્રમ તૈયાર કરવા પર જોર અપાયું જેથી શિક્ષણની સાથે વિદ્યાર્થીઅોનું કૌશલ પણ વિકસી શકે. અારઅેસઅેસ સાથે જોડાયેલી વિદ્યા ભારતીઅે અા મહત્વપૂર્ણ મંથન શિબિરમાં ઇતિહાસમાં પરિવર્તન લાવવા પર સૌથી વધુ ભાર અાપ્યો.

You might also like