મેટ્રો કોર્ટનું પાર્કિંગ સ્વીમિંગ પુલ બન્યુંઃ મચ્છરોની વસાહત  

અમદાવાદઃ અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટના પાર્કિગમાં આવેલી ફાયરસેફ્ટીની લાઇનમાં પંચર પડવાથી પાર્કિંગમાં બે ઇંચ જેટલું પાણી  ભરાઇ ગયું છે. ભરાયેલા પાણીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. હાલ ડેન્ગ્યુ અને મેલેરિયાઅે માથું ઊંચક્યું છે ત્યારે કોર્ટમાં અાવતા પક્ષકારો, વકીલો સહિતના લોકો ડેન્ગ્યુનો ભોગ બને તેવો ખતરો તોળાઈ રહ્યો છે. 

શહેરમાં પડેલા મુશળધાર વરસાદના કારણે મેટ્રોપોલીટન કોર્ટના પાર્કિંગમાં પાણી ભરાઇ ગયા હતા. સાથોસાથ કોર્ટમાં લગાવેલી ફાયર સેફટીની લાઇનમાં પણ અલગ અલગ જગ્યાએ પંચર પડતાં તેમાંથી રોજેરોજ પાણી નીકળતું હતું. જેના કારણે પાર્કિંગમાં પાણી ભરાઇ ગયું છે. પાણીના નિકાલ માટેનો યોગ્ય રસ્તો ના હોવાના કારણે પાર્કિગમાં દુર્ગંધ ફેલાઈ છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે. કોર્ટમાં પ્રેકટીસ કરતા વકીલોએ જણાવ્યું છે કે છેલ્લા એક મહિનાથી આ સમસ્યા છે. દરરોજ પાર્કિંગમાં પાણી ભરાઇ જાય છે જેના કારણે મચ્છરો વધી ગયા છે. આ મુદ્દે મેટ્રોકોર્ટના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર અને સુપ્રિન્ટેન્ડેન્ટ પી.એમ.પટેલે જણાવ્યું છે કે છેલ્લા એક સપ્તાહથી પાણીની સમસ્યા હતી. આજે તેને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા છે. પાઇપથી પાણી બહાર ન નીકળી શકતા હવે ડોલમાં ભરીને નિકાલ કરવામાં અાવી રહ્યો છે. ફાયરસેફટીની પાઇપ સાંધવાનું પણ કામ ચાલુ છે. આ કામગીરી પૂરી થતાં પાણી ભરાવાની સમસ્યા દૂર થશે.

You might also like