મેટલ અને ઓટોમોબાઈલ સેક્ટરના સપોર્ટે શેરબજાર સુધર્યું

અમદાવાદઃ સ્થાનિક શેરબજારમાં ઘટાડે ખરીદીનો માહોલ જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૨૫ ટકાનો સુધારો નોંધાયો છે. એ જ પ્રમાણે મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં પણ નીચા મથાળે મજબૂત ખરીદી નોંધાઇ છે. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં ૦.૫ ટકાનો સુધારો નોંધાયો છે. આજે શરૂઆતે મેટલ સેક્ટર ઇન્ડેક્સમાં ૦.૭૫ ટકા, જ્યારે ઓટો સેક્ટર ઇન્ડેક્સમાં ૦.૫ ટકાનો મજબૂત સુધારો નોંધાયો હતો. બેન્ક નિફ્ટી પણ ૦.૨૫ ટકાના સુધારે ૧૮,૩૦૦ની સપાટીની આસપાસ મજબૂત ટ્રેડિંગમાં જોવા મળી રહી છે, જોકે પાવર સેક્ટરના શેર્સ વેચવાલીએ પ્રેશરમાં જોવાયા છે.ટાટા સ્ટીલ, એચડીએફસી, એચસીએલ ટેક્નો., યસ બેન્ક, હિંદાલ્કો, એક્સિસ બેન્ક જેવી અગ્રણી કંપનીના શેર્સમાં બે ટકાનો મજબૂત સુધારો નોંધાયો છે તો બીજી બાજુ પીએનબી, ઓએનજીસી, આઇટીસી, એનટીપીસી અને ભારતી એરટેલ કંપનીના શેર્સમાં ત્રણ ટકા સુધીનો ઘટાડો જોવાયો છે. દરમિયાન શેરબજારની નજર આવતી કાલની જુલાઇ એક્સપાયરી પર મંડાયેલી છે. એટલું જ નહીં ગઇ કાલથી બે દિવસીય શરૂ થયેલી યુએસ ફેડરલ રિઝર્વની બેઠક આજે પૂરી થઇ રહી છે ત્યારે વ્યાજદર વધારા સંબંધે સ્પષ્ટ સંકેતો બજાર માટે મહત્ત્વના બની રહેશે તેવા સેન્ટિમેન્ટ પાછળ બજારમાં વેઈટ એન્ડ વોચનો માહોલ જોવાયો છે.
You might also like