મેં ઓરિજિનલ દ્રશ્યમ ફિલ્મ જોઈ નથીઃ અજય દેવગણ

અજય દેવગણની આજે રિલીઝ થયેલી ફિલ્મ દ્રશ્યમ મલયાલમ ફિલ્મની રિમેક છે. અત્યાર સુધી આ ફિલ્મ તામિલ, તેલુગુ અને કન્નડ ભાષામાં બની ચૂકી છે. સૌથી મોટી વાત એ છે કે તમામ ભાષાઓમાં આ ફિલ્મ હિટ રહી છે. અજય દેવગણ ભલે રિમેકમાં કામ કરી રહ્યો હોય, પરંતુ તેણે ઓરિજિનલ ફિલ્મ જોઇ નથી. તે કહે છે કે હું આ ફિલ્મને મારી રીતે કરવા ઇચ્છતો હતો. તેથી મેં ઓરિજિનલ ફિલ્મ જોઇ નથી અને જોવાની ઇચ્છા પણ નથી. જો હું એ ફિલ્મ પહેલાં જોઇ લેત તો કદાચ તે પાત્રને મારી રીતે ન ભજવી શકત. લોકો અજયની તુલના મોહનલાલ અને કમલ હસન સાથે કરી રહ્યા છે. અજય આ વાત સાથે સહમત નથી. તે કહે છે કે કમલ અને મોહનલાલ ગ્રેટ એક્ટર છે. મારી સરખામણી તેની સાથે ન થઇ શકે. 

મલયાલમ દૃશ્યમ ક્ષેત્રિય દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવાઇ હતી, જ્યારે હિન્દીમાં તે વાતનું ધ્યાન રાખવું પડ્યું કે ફિલ્મ સમગ્ર દેશના દર્શકોને સ્પર્શી શકે. કહાણીમાં થોડા ફેરફાર કરાયા છે, પરંતુ ફિલ્મનો આત્મા તો એ જ છે. આ ફિલ્મ એક કોમનમેન અને તેના પરિવારની કહાણી છે. 

આજકાલ બોલિવૂડમાં સાઉથની ફિલ્મોની રિમેક બનાવવાનો ટ્રેન્ડ ચાલી નીકળ્યો છે. આ ફિલ્મમાં શું ખાસ છે તે અંગે જણાવતાં અજય કહે છે, મને તો આ ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ ગમી, પછી રિમેક હોય તોય ભલે , મેં આ ફિલ્મમાં કામ કર્યું. એવું નથી કે માત્ર સાઉથની ફિલ્મોની રિમેક બોલિવૂડમાં બને છે. બોલિવૂડની સારી ફિલ્મોની પણ સાઉથમાં રિમેક બનાવાય છે. મારી ફૂલ ઓર કાંટેની રિમેક પણ સાઉથમાં બની જ છે. સાઉથની રિમેક હિન્દીમાં અને હિન્દીની સાઉથમાં બનવાનો લાભ મને પણ થયો છે. બધે દર્શકો વધી રહ્યા છે. લિટરેચરનું આદાનપ્રદાન થાય છે તે ખૂબ સારી વાત છે. 

You might also like