મુસ્લિમોનું મહત્ત્વનું પ્રદાન, તેમને ગદ્દાર ગણાવવા અયોગ્યઃ આઝમ

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના નેતા અને ઉત્તર પ્રદેશના કેબિનેટ પ્રધાન આઝમ ખાને જણાવ્યું છે કે ભારતમાં મુસ્લિમોનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે અને તેમ છતાં મુસ્લિમોને ગદ્દાર ગણાવવા એ અયોગ્ય છે. આઝમ ખાને એક ટીવી સમાચાર ચેનલના કાર્યક્રમમાં કેટલાક મુદ્દાઓ પર સ્પષ્ટ ટિપ્પણી કરી હતી.

દાદરી હત્યાકાંડ અંગેના પ્રશ્નનો જવાબ આપતાં આઝમ ખાને જણાવ્યું છે કે બીફની અફવા પર એક શખસની હત્યા કરવી એ ખરેખર દુઃખ બાબત છે. ઉત્તર પ્રદેશ સરકારનો બચાવ કરતાં તેમણે જણાવ્યું હતું કે પારસ્પારિક એખલાસ રાખવાની જવાબદારી સરકાર કરતાં સમાજની વધુ છે. તેમણે જણાવ્યું હતું કે દાદરીના બિસારા ગામમાં પોલીસ પહોંચે ત્યાં સુધીનો પણ સમય રહ્યો ન હતો અને પોલીસ પહોંચે તે પહેલાં હત્યા કરવામાં આવી હતી.

આઝમ ખાને બાબરીકાંડ અંગે જણાવ્યું હતું કે ૬ ડિસેમ્બર, ૧૯૯૨નું કલંક મિટાવી શકાય નહીં. તેમણે જણાવ્યું હતું કે અદાલતનો સ્ટે હોવા છતાં બાબરી મસ્જિદ પર હુમલો થયો હતો. બાબરી મસ્જિદના રક્ષણ પર તત્કાલીન મુખ્યપ્રધાને એફિડેવિટ આપ્યું હતું તેમ છતાં આ દુઃખદ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

આઝમ ખાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ૨૦૦૦ બાદ મોદીને યુરોપ અને અમેરિકાના વિઝા આપવામાં આવ્યા ન હતા. તેમણે જણાવ્યું હતું કે હવે અમેરિકાએ મોદીને નહીં, પરંતુ ભારતના વડા પ્રધાનને વિઝા આપ્યા છે, કારણ કે અમેરિકા એક સોદાગર રાષ્ટ્ર છે અને તે ભારતને એક મોટું બજાર માને છે.

 

You might also like