મુંબઈ ટ્રેન બ્લાસ્ટમાં આજે સજાનું એલાનઃ આઠને ફાંસીની શક્યતા

મુંબઈઃ મુંબઈ લોકલ ટ્રેનોમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટમાં આજે ૯ વર્ષ બાદ સ્પેશિયલ કોર્ટ દોષિત જાહેર થયેલા ૧૨ આરોપીઓને સજા સંભળાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૧ જુલાઈ ૨૦૦૬ના રોજ થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં ૧૮૮ લોકોના મૃત્યુ થયા હતા. સ્પેશિયલ મકોકા કોર્ટે ૨૩ સપ્ટેમ્બરના રોજ આ કેસમાં સજા પર પોતાનો ચુકાદો ૩૦ સપ્ટેમ્બરના રોજ સુરક્ષિત રાખ્યો હતો અને આજે સજાનું એલાન કરાશે. આજે સ્પેશિયલ કોર્ટ આઠ દોષિતોને ફાંસી આપશે તેવી શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ લોકલ ટ્રેનમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં મકોકા સેશન્સ કોર્ટ ૧૧ સપ્ટેમ્બરના થયેલી સુનાવણીમાં ૧૩માંથી ૧૨ આરોપીઓને દોષિત ઠરાવ્યા હતા. આ ઘટનાના નવ વર્ષ બાદ તાજેતરમાં જ કોર્ટે ૧૩માંથી ૧૨ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા.

નવ વર્ષ અગાઉ ૧૧ જુલાઈ ૨૦૦૬ના રોજ મુંબઈની લોકલ ટ્રેનમાં માટુંગાથી મીરાં રોડ વચ્ચે ઉપરાછાપરી સાત બ્લાસ્ટ થયા હતા. જેમાં ૧૮૮ના મોત થયાં હતાં અને ૮૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ મામલાની તપાસ મુંબઈ એટીએસને સોંપવામાં આવી હતી, જેણે આ બ્લાસ્ટનું કાવતરું સીમી દ્વારા ઘડવામાં આવ્યો હોવાનો આરોપ મુક્યો હતો.

આ બ્લાસ્ટ પ્રેશર કૂકરમાં બોમ્બ મૂકીને કરવામાં આવ્યા હતા. પ્રથમ બ્લાસ્ટ સાંજના ૪.૩૫ કલાકની આસપાસ થયો હતો અને ત્યાર બાદ તુરત માટુંગા, બાંદ્રા, ખાર, જોગેશ્વરી, બોરીવલી તથા ભાયંદરની લોકલ ટ્રેનમાં ઉપરાછાપરી બ્લાસ્ટ થયા હતા. એટીએસે ૧૩ શખસોની ધરપકડ કરીને સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.

મકોકા કોર્ટે નીચે દર્શાવેલા ૧૨ આરોપીને દોષિત જાહેર કર્યા હતા

(૧) કમાલ અહેમદ અંસારી

(૨) તનવીર અહેમદ અંસારી

(૩) મહંમદ ફૈઝલ શેખ

(૪) અેહતશામ સિદ્દિકી

(૫) મહંમદ મજિદ શફી

(૬) શેખ આલમ શેખ

(૭)મહંમદ સાજિદ અંસારી

(૮) મુજમ્મિલ આલમ શેખ

(૯) સોહેલ મહેમૂદ શેખ

(૧૦) ઝમીર અહેમદ શેખ

(૧૧) નવીદ હુસેનખાન

(૧૨) આસિફખાન

આ સમગ્ર મામલામાં ૧૪ આરોપીઓ હજુ ફરાર છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ૨૦૦૮માં ટ્રાયલ પર સ્ટે મૂકવામાં આવ્યા બાદ બે વર્ષ પછી સાક્ષીઓની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. સ્ટે મૂકતાં પહેલાં એક પોલીસ અધિકારીની પણ તપાસ થઈ હતી. 

૨૩ એપ્રિલ ૨૦૧૦ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે ઉઠાવી લેવામાં આવ્યો હતો. પ્રથમ બ્લાસ્ટ સાંજે ૪.૩૫ કલાકની આસપાસ કરાયો હતો. ત્યાર બાદ થોડી જ મિનિટોમાં માટુંગા, બાંદ્રા, ખાર રોડ, જોગેશ્વરી, બોરીવલી અને ભાયન્દર નજીક લોકલ ટ્રેનોમાં ઉપરાછાપરી બ્લાસ્ટ થયા હતા.

આ કેસના તમામ આરોપીઓ સીમીના કાર્યકરો હતા. તેમની મહારાષ્ટ્ર એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ટ્રેન બ્લાસ્ટના મામલામાં ૧૯ ઓગસ્ટના રોજ ટ્રાયલ પરિપૂર્ણ કરાઈ હતી. આમ હુમલાના આઠ વર્ષ બાદ કેસની ટ્રાયલ પૂરી થઈ હતી. મુંબઈની લોકલ ટ્રેનમાં સાત આરડીએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 

 

 

 

 

 

 

 

 

 

 

You might also like