મુંબઈમાં લોકલ ટ્રેનનાં ૮ કોચ ખડી પડ્યા

મુંબઈ : મુંબઈમાં આજે સવારે એક લોકલ ટ્રેનનાં આઠ કોચ પાટા પરથી ખડી પડ્યા હતા. માત્ર ૧૮ કલાકના ગાળામાં લોકલ ટ્રેન ખડી પડી હોય તેવી આ બીજી દુર્ઘટના બની હતી.આ અકસ્માતમાં એક મહિલા સહિત ચાર જણાને ઈજા થઈ હતી. તેમને સારવાર માટે વિલેપાર્લેની કૂપર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લીધે લોકલ ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને ઘણાં સ્ટેશનો પર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

અધિકારીઓના જણાવ્યા મુજબ પશ્ચિમ રેલ્વે લાઈન પર  વિરારથી ચર્ચગેટ તરફ જતી ફાસ્ટ ટ્રેન સવારે લગભગ ૧૧ વાગે અંધેરી સ્ટેશન નજીક ખડી પડી હતી.તેને લીધે અપ અને ડાઉન બંન્ને તરફનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ટ્રેનોમાં અટવાઈ પડેલા મુસાફરોને રેલવે ટ્રેક પર ચાલીને નજીકના રેલવે સ્ટેશને જવાની ફરજ પડી હતી.

આ ટ્રેન વિરારથી સવારે ૯.૫૬ કલાકે ઉપડી હતી. અંધેરી સ્ટેશન નજીક તે ખડી પડી ત્યારે આ ટ્રેન પ્રવાસીઓથી ખીચોખીચ ભરેલી હતી. વિલેપાર્લે અને અંધેરી સ્ટેશન વચ્ચે આ ઘટના બની હતી. રોષે ભરાયેલા મુસાફરોએ વારેઘડીએ બનતી આવી ઘટના અંગે રોષ વ્યક્ત કરીને પશ્ચિમ રેલ્વેના મેનેજર અને સંબંધિત અધિકારીઓના રાજીનામાની માગણી કરી હતી.  ગઈકાલે સાંજે પણ બાંદ્રાથી નીકળેલી ટ્રેન છત્રપતિ શિવાજી ટર્મિનસમાં દાખલ થઈ ત્યારે તેના ત્રણ કોચ પાટા પરથી ખડી પડ્યા હતા. 

પશ્ચિમ રેલ્વેના એક અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રેન સેવા ફરી શરૂ કરવા માટે અધિકારીઓ અને એન્જિનિયરોની એક ટીમ તાત્કાલિક સ્થળે મોકલી દેવામાં આવી હતી. આ ઘટનાને લીધે માત્ર પરાં વિસ્તારની ટ્રેનોને જ નહીં પરંતુ લાંબા અંતરની મુંબઈથી ગુજરાત, નવી દિલ્હી અને જમ્મુ-કાશ્મીર તરફ જતી ટ્રેનોની અવરજવરને પણ અસર પહોંચી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે બાંદ્રા, દાદર અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનથી ઉપડતી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.

પશ્ચિમ રેલ્વેના પરાં વિસ્તાર વિભાગમાં પણ સંખ્યાબંધ ટ્રેનો રદ કરી દેવામાં આવી હતી. જેને લીધે વિરાર અને ચર્ચગેટ વચ્ચેના તમામ સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જામી ગઈ હતી. લોકોએ પોતાના નિર્ધારિત સ્થળે જવા માટે વૈકલ્પિક સેવાનો આશરો લીધો હતો.  

You might also like