મારી નીતિ મુજબ જીવવા ઇચ્છું છું

કોઈ પણ ભૂમિકાને લઈને તું ગંભીર હોય છે, ત્યારે આ ભૂમિકા કરવા પાછળનું ખાસ કારણ?આ ભૂમિકા મારા માટે ખાસ છે. આ પ્રકારનો સખત વ્યક્તિત્વ ધરાવતો રોલ પહેલાં ક્યારેય કર્યો નથી, એટલે મારા માટે આ એક નવો અનુભવ રહ્યો. હું ઘણા સમયથી આ પ્રકારની પડકારરૃપ ભૂમિકા નિભાવવા ઇચ્છુક હતી. અજય સાથે ઘણાં વર્ષો બાદ કામ કરવાની તક મળી, એટલે પણ હું આ ભૂમિકા છોડવા નહોતી ઇચ્છતી.

સેટ પર એક દોસ્ત મળી જવાથી ઘણી વાતો થતી હશે?હા, અમે સાથે કામ કર્યાને ૧૮ વર્ષ થઈ ગયા. જોકે અમે સમયાંતરે વાતચીત કરીએ છીએ. અમે તે બાબતો એકબીજા સાથે ચર્ચીએ છીએ. ક્યારેક ભૂલાયેલી વાતો યાદ આવે ત્યારે ખાસ યાદ કરીને ચર્ચા કરીએ છીએ. ૧૮ વર્ષમાં જીવનમાં ખૂબ જ પરિવર્તન આવ્યું છે. તેના લગ્ન થઈ ગયાં, બે બાળકો પણ થઈ ગયાં. હવે તે એક કૌટુંબિક વ્યક્તિ છે. ફિલ્મની જેમ જ તે કુટુંબ, સંબંધીઓ અને મિત્રોની મદદ માટે હંમેશાં તૈયાર હોય છે.

ફિલ્મમાં તારી ભૂમિકા રફ એન્ડ ટફ પ્રકારની છે. રિયલ લાઈફ કેવી છે?જ્યારે ટફ થવું પડે ત્યારે થઈ જાઉ છું. કેટલાક લોકો માટે સોફટ રહેવું પડે છે. કેટલાક સંબંધોમાં ઈમોશનલ રહેવું પડે. તે દરેક સંબંધ પર નિર્ભર કરે છે. મારી સાથે પણ આમ જ થઈ રહ્યું છે.

મલયાલમમાં ‘દર્શયમ્’ સફળ રહી હતી અને આશા સારથે તારી ભૂમિકા નિભાવી હતી. ફિલ્મ અને ભૂમિકાની સરખામણી થશે તેમ લાગી રહ્યું છે?ચોક્કસ થશે. રીમેક બનાવો કે સિક્વલ, સરખામણીથી બચી શકાય નહીં. હું આ બધું વિચારીને જ આગળ વધુ છું. જોકે હું ફિલ્મ ગુમાવવા નહોતી માગતી, કારણ કે ભૂમિકા જ એટલી મજબૂત છે. હવે સરખામણી થાય તો પણ કોઈ ફેર નથી પડતો.

કોઈ ફિલ્મ માટે હા કે ના કહેવી મુશ્કેલ હોય છે?ના કહેવાનું મુશ્કેલ નથી હોતું, પરંતુ હા કહેવું મુશ્કેલ હોય છે. કોઈ પણ ભૂમિકા પસંદ કરતાં પહેલાં મારે મારી જાતને મનાવવી પડે છે. ફિલ્મ પસંદ કરવા અંગે મારે કારણો શોધવા પડે છે. એક કારણ મળે તો બીજું જોઈએ અને બીજું મળી જાય તો ત્રીજું કારણ જોઈએ. મને લાગે કે, આ ભૂમિકા નિભાવ્યા વગર છૂટકો નથી, ત્યાર બાદ જ હું તે નિભાવું છું.

કોઈ પણ ભૂમિકા પસંદ કરવામાં દર્શકોની અપેક્ષા અંગેનો દબાવ રહે છે?ઘણી વાર લાગ્યું છે કે, લોકો મારા પ્રત્યે આશા રાખી રહ્યાં છે. ક્યારેક આસપાસનાં લોકો અમુક પ્રકારના રોલ નિભાવવા કહે છે, ત્યારે લાગે કે આપણી પસંદ લોકો પર નિર્ભર કરે છે. આ બાબત સારી નથી. મારી કોશિશ રહી છે કે, હંમેશાં સારું કામ કરવું, લોકોની અપેક્ષા પ્રમાણે નહીં. આમ પણ બધાને ખુશ રાખી શકાતા નથી.

કોઈનો અભિપ્રાય કે ટીકા ધ્યાને લે છે?મારી માતાનો અભિપ્રાય મારી માટે મહત્ત્વનો છે. જોકે તે ક્યારેય મારી ટીકા કરતી નથી. તેને મારું બધું જ કામ યોગ્ય લાગે છે. જોકે આજના સમયમાં ટીકા તો થતી જ રહે છે. કોઈનાં વખાણ કે ટીકા કરવી હવે સામાન્ય બની ગયું છે. તેમાં કોઈ ટેક્સ પણ લાગતો નથી. ક્યારેક તમે વધુ વખણાઈ જાઓ તો ક્યારેક તમારી મજાક પણ બની જાય. આજના જમાનામાં આવી બાબતો માટે તૈયાર રહેવું પડે અને તેને નજરઅંદાજ કરવી પડે.

તારા માટે સફળતાની વ્યાખ્યા શું છે?મારા માટે સફળતા એટલે મારી નીતિ મુજબ જીવન જીવી શકું. મને જે કામ પસંદ નથી તે કરવાનો ક્યારેય સમય ન આવે. મારા કામ અને જીવનમાં સંતુષ્ટ રહું એ જ મારી સફળતા છે.

કઈ વસ્તુઓ કરવા નથી ઇચ્છતી?દિવસ-રાત કામ ન કરવું. મુશ્કેલ લોકેશન પર, વધારે ઠંડીમાં કે વધારે ગરમીમાં કામ ન કરવું વગેરે…મારી આ યાદી ઘણી લાંબી છે.

‘સાજન ચલે સસુરાલ’ પછી રમૂજી ફિલ્મ કરવાની ઇચ્છા નથી થતી?મને રમૂજી ભૂમિકાઓની ઓફર જ નથી થતી. કદાચ નિર્દેશકો મને રમૂજી ભૂમિકામાં જોવા નથી ઇચ્છતા. જોેકે દર્શકોની માગ હોય છે, પરંતુ નિર્દેશકોને લાગે છે કે, હું સિરિયસ ભૂમિકા માટે યોગ્ય છું.

ગ્લેમરસ ભૂમિકા પસંદ છે? તારા સમયમાં તે અનોખી ભૂમિકા જ પસંદ કરી છે.જે ભૂમિકા મળી અને મને યોગ્ય લાગી તે કરતી ગઈ. ગ્લેમરનો સવાલ છે ત્યાંં સુધી કોઈને ગ્લેમર ભૂમિકા નિભાવવી પસંદ નથી. જોકે હું ઘણી ગ્લેમર સહિત અનેક પ્રકારની ભૂમિકા નિભાવી ચૂકી છે. આગળ પણ નિભાવતી રહીશ.

ટીવીમાં કામ કરવાની ઇચ્છા છે?કદાચ તમે ઝડપથી મને ટીવી પર જોઈ શકશો, પરંતુ તે માટે મને યોગ્ય ભૂમિકા અને પૈસા મળશે તો જ હું ટીવી પર કામ કરીશ. મને ટીવી જોવું ખાસ કરીને ટ્રાવેલ શો જોવો પસંદ છે.

હિના કુમાવત

 

You might also like