‘મારી દીકરી ગૂગલ પર નામ જુએ એ પહેલાં હું નિર્દોષ સાબિત થવા ઇચ્છતો હતો’

નવી દિલ્હીઃ અહીંની એક કોર્ટ દ્વારા સ્પોટ ફિક્સિંગના આરોપમાંથી નિર્દોષ છૂટી ગયેલા એસ. શ્રીસંતે કહ્યું છે, ”હું ઇચ્છતો હતો કે મારી દીકરી જ્યારે મારું નામ ગૂગલ પર જુએ ત્યારે એક ક્રિકેટરના રૂપમાં જુએ, એક આતંકવાદીના રૂપમાં નહીં.” શ્રીસંતે કહ્યું, ”મારી પુત્રી ત્રણ મહિનાની છે, જ્યારે તે મોટી થઈને મારું નામ ગૂગલ પર જુએ ત્યારે હું ઇચ્છું છું કે મને ક્રિકેટરના રૂપમાં જુએ, આતંકવાદીના રૂપમાં નહીં. મેં જ્યારે દાઉદ ઇબ્રાહીમ સાથે મારી તસવીરો છપાતી જોઈ ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો હતો. હું હેરાન હતો કે મેં એવું તો શું કરી નાખ્યું છે. મારા પિતાને બે વાર હાર્ટઅટેક આવી ચૂક્યો છે. જ્યારે મને તિહાર જેલમાં મોકલાયો ત્યારે તેમના પર શી વીતી હશે?”
 

You might also like