માત્ર બે દિવસના વરસાદે ખોલી AMCની પોલ, શહેરમાં અનેક રસ્તાઓ ધોવાયા 

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હલકી ગુણવત્તાના રોડ રિસરફેસિંગના કામ થતા હોઇ આ વખતે પણ શહેરના રસ્તાઓ ધોવાઇને ઠેર ઠેર કપચી ઉખડી રહી છે. રસ્તા ભયજનક બન્યા છે અને આના કારણે ફરીથી મ્યુનિ. તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

દાણીલીમડા રોડ, હેલ્મેટ સર્કલ, માનસી સર્કલ, મીઠાખળી અન્ડરબ્રિજ, પ્રેરણાતીર્થ દેરાસર રોડ, યુનિ. રોડ વગેરે રોડની હાલત બિસ્માર થઇ છે. કોર્પોરેશને તાજેતરમાં શહેરમાં રોડ રિસરફેસિંગના કરોડો રૂપિયાનાં કામ હાથ ધર્યા હતા. જેના પર છેલ્લા બે દિવસના ધીમી ધારના વરસાદે પાણી ફેરવી દીધું છે.

મ્યુનિ. કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખે ધોવાયેલા રસ્તાઓના મામલે વિજિલન્સ તપાસ કરાવવાની માગ કરી છે. શેખ કહે છે કે દર વર્ષે ઓછામાં ઓછા રપ૦ કરોડના રસ્તા ધોવાઇ જાય છે. એસ્સાર પાસેથી હલકી ગુણવત્તાનું બીટયુમીન ખરીદાતું હોઇ રસ્તા ડિસ્કો રોડ બને છે. દેડકી ગાર્ડનથી ફૂટબોલ ગ્રાઉન્ડ કહો કે કોર્પોરેટ રોડ કહો બધે રોડ તંત્રના ભ્રષ્ટાચારના કારણે ખરાબ હાલતમાં મુકાયા છે. સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન નખાઇ હોય તે વિસ્તારોના રસ્તા બેસી ગયા હોઇ આ બાબત પણ વિજિલન્સ તપાસનો વિષય બને છે. 

દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ કહે છે કે આ વર્ષે કોઇ રસ્તા ધોવાયા નથી. રસ્તા ધોવાયા હશે તો કોન્ટ્રેકટરોના ખર્ચે રિસરફેસ કરાશે.

You might also like