માતા-પિતા પાસેથી મળ્યું કલા પ્રત્યેનું ઝનૂનઃ શ્રુતિ   

કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસન બહુમુખી પ્રતિભા ધરાવે છે. તે અભિનયની સાથે-સાથે સંગીત નિર્દેશન અને સંગીતના ક્ષેત્રમાં પણ સમાન રીતે સક્રિય છે. આ વર્ષે આવેલી તેની ફિલ્મ ‘ગબ્બર ઇઝ બેક’માં તેના રોલને ખૂબ પ્રશંસા મળી છે. હવે તે પોતાની ફિલ્મો ‘વેલકમ બેક’, ‘યારા’ અને ‘રોકી હેન્ડસમ’ને લઇને ખૂબ જ ઉત્સાહિત છે. શ્રુતિ અંગે એમ કહેવાય છે કે તે ખૂબ જ શાંત છે. તે કહે છે કે હા, હું પહેલાં ખૂબ જ શાંત અને અંતર્મુખી હતી, પછી કોણ જાણે શું થયું અને બધું બદલાઇ ગયું, જોકે તે સારી વાત છે. હવે લોકો મને બરદાસ્ત ન કરી શકે એટલું હું બકબક કરું છું. હું આ વર્ષે ખૂબ જ ફિલ્મો કરી રહી છું. સંગીત માટે મને થોડો ઓછો સમય મળે છે. હું ઘરે જઉં ત્યારે પિયાનો વગાડું છું. મને તે ખૂબ સારું લાગે છે. હું મારા માટે અને બીજા માટે પણ પ્લેબેક સિંગિંગ કરું છું, જોકે અત્યારે મારું પહેલું ફોકસ સિનેમા છે. 

શ્રુતિને સિનેમાની સમજ પિતા પાસેથી અને સંગીતની સમજ માતા પાસેથી મળી છે. તેથી કદાચ તેનામાં સિનેમા અને સંગીતનો સંગમ છે. તે કહે છે, મારાં માતા-પિતા બંને પરિપૂર્ણ કલાકાર છે, જોકે સંગીત પ્રત્યેનું ઝનૂન મને માતા પાસેથી મળ્યું છે. જ્યારે હું બહુ નાની હતી ત્યારે જ તેણે મારો સંગીત સાથે પરિચય કરાવ્યો. તે રીતે ડેડી પાસેથી મને કલા, સિનેમા પ્રત્યેનું ઝનૂન મળ્યું. બંને ખૂબ જ રચનાત્મક છે. ક્યારેક હું વિચારું છું કે હું જે ઘરમાં મોટી થઇ તે પ્રમાણે મારે દસ ગણું વધુ રચનાત્મક હોવું જોઇએ, જોકે ખરેખર આવા ઘરમાં મોટા થવાનો અનુભવ ખરેખર અદ્ભુત હોય છે. 

 

You might also like