માતાએ દિકરીની હત્યા કરી આપઘાતનો પ્રયાસ કર્યો

દાહોદ : દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે રહેતા નટવરભાઇ ભારતભાઇ ભુરીયાને તાજેતરમાં જ દેવગઢબારીયા મુકામે ગોડાઉનમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી મળી હતી. જયારે તેની પત્ની ઉષાબેન અમદાવાદ-સોલા સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હોઇ બંને પતિ-પત્ની એકબીજાથી દૂર જુદી જુદી જગ્યાએ જુદા જુદા ગામમાં નોકરી કરતા હતા.

ઉષાબેન પોતાનો પતિ નટવરભાઇ દેવગઢબારીયા ગામેથી નોકરી છોડી અમદાવાદ આવી જાય તેમ ઇચ્છતી હોઇ અને આ બાબતે અવારનવાર બંને વચ્ચે ઝઘડા થતા હતા દિકરી હારવીબેનને ઘરમાં આવેલી પાણીની કૂંડીમાં  માતાએ ડૂબાડી દઈ મોત નીપજાવ્યું હતું. જેથી પોતાની જાતે જ પોતાના હાથના કાંડા પર તેમજ ગળાના ભાગે બ્લેડના ઉપરાછાપરી ઘા મારી આત્મહત્યા કરવાની કોશિશ કરતાં ગંભીર ઇજાઓ થવા પામી હતી.

આ સંબંધે પુત્રીની હત્યારી નિષ્ઠુર જનેતા ઉષાબેન વિરૃધ્ધ તેના પતિ નટવરભાઇ ભારતભાઇ ભુરીયાએ દાહોદ તાલુકા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ ઇજાગ્રસ્ત ઉષાબેનને સારવાર માટે તથા મૃતક હારવીબેનને પોસ્ટમોર્ટમ માટે દાહોદ સિવિલ હોસ્પિટલમાં ખસેડી આ સંદર્ભે ઇપીકો કલમ ૩૦૨ મુજબ ખૂનનો ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.

જયારે બીજી તરફ ઉષાબેન નટવરભાઇ ભુરીયાના પિયર પક્ષના દાહોદ તાલુકાના સાંકરદા ગામના ધર્મેશભાઇ ભાવસીંગભાઇ ઢાકીયાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ ઉષાબેન નટવરભાઇ ભુરીયાને તેના પતિ નટવરભાઇ ભારતભાઇ ભુરીયા, સસરા ભારતભાઇ ધનજીભાઇ ભુરીયા તથા સાસુ એમ ત્રણે જણા છેલ્લા બે વર્ષથી અવારનવાર તું અમદાવાદ નોકરી કરે છે તારે ક્યાં કંઇક છે તેવો વહેમ રાખી ઝઘડો તકરાર કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.

You might also like