માચીલ નકલી અથડામણમાં છ જવાનોને જનમટીપ યથાવત

જમ્મુ : ૨૦૧૦માં કાશ્મીરના માચીલમાં નકલી અથડામણમાં ત્રણ યુવકોની હત્યા કરવા બદલ લશ્કરની કોર્ટે બે અધિકારીઓ સહિત લશ્કરના છ કર્મીઓને ફરમાવેલી જનમટીપની સજાને ઉત્તર કમાન્ડના કમાન્ડરે યથાવત રાખી છે. ઉત્તર કમાન્ડના સંરક્ષણ વિભાગના પીઆરઓ કર્નલ એસડી ગોસ્વામીએ જણાવ્યું હતું કે ઉત્તર કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ -ઈન-ચીફ લેફ્ટનન્ટ જનરલ ડી એસ હુડાએ માચીલ એન્કાઉન્ટર કેસમાં સમરી જનરલ કોર્ટ માર્શલ (એસજીસીએમ)એ ફરમાવેલી સજાને બહાલ રાખી છે.

સેનાના છ કર્મીઓ કર્નલ દિનેશ પઠાણિયા કે જે કમાન્ડિંગ ઓફિસર હતા, કેપ્ટન ઉપેન્દ્ર, હવાલદાર દેવેન્દર કુમાર, લાન્સ નાયક લખમી, લાન્સ નાયક અરુણ કુમાર અને રાઈફલમેન અબ્બાસ હુસેનને એસજીસીએમએ ગુનેગાર ઠેરવ્યા હતા અને તેમને ગયા વર્ષે નવેમ્બરમાં જનમટીપની સજા ફરમાવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે લશ્કર દ્વારા કાનૂની પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોવાથી હવે લશ્કરના આ છ કર્મીઓને જેલ સત્તાવાળાઓને સોંપી દેવાશે.આવા કેસોમાં હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી શકાતી હોય છે.

આ બનાવ ૩૦ એપ્રિલ, ૨૦૧૦માં બહાર આવ્યો હતો. તે સમયે લશ્કરે ત્રણ યુવકોના મૃતદેહ આતંકવાદીઓ તરીકે દર્શાવ્યા હતા. તેઓ શસ્ત્રો અને દારૃગોળા સાથે ઉત્તર કાશ્મીરના માચીલ વિસ્તારમાંથી કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતા  હોવાનું જણાવાયું હતું. પાછળથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે તે પાકિસ્તાની આતંકવાદીઓ હતા.

જોકે,જમ્મુ કાશ્મીર પોલીસે તે લોકોની બેકાર યુવાનો તરીકે ઓળખ આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે તે યુવાનો મોહમ્મદ શફી, શેહજાદ એહમદ અને રિયાઝ એહમદ હતા અને બારામુલ્લા જિલ્લાના નદીહાલના રહેવાસી હતા. તેમને નોકરી આપવાના બહાને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા અને પાછળથી ઠાર મારવામાં આવ્યા હતા. પોલીસે લશ્કરના છ કર્મીઓ સહિત નવ જણા સામે ચાર્જશીટ દાખલ કરી હતી. પરંતુ તપાસ લશ્કરને સોંપવી પડી હતી.  

You might also like