માંઝીને મનાવવા બિહાર માટે NDAની નવી બેઠક ફોર્મ્યુલા

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણી માટે એનડીએમાં બેઠક વહેંચણીને લઈને ઊભી થયેલી અસમંજસની સ્થિતિ હવે સમાપ્ત થનાર છે. એનડીએ દ્વારા બેઠક વહેંચણીની નવી ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે. બિહારના પૂર્વ મુખ્યપ્રધાન જિતનરામ માંઝીએ ઈમોશનલ કાર્ડ ખેલ્યા બાદ હવે નવી ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે.

ભાજપ માંઝીના પક્ષ એચએએમને ૧૮-૨૧ બેઠકો આપવા માટે વિચારી રહેલ છે. જોકે ભાજપ સ્વયં ૧૬૦થી ઓછી બેઠકો પર ચૂંટણી લડશે નહીં. અહેવાલો અનુસાર માંઝી બેઠકની વહેંચણીને લઈને ભાજપની ફોર્મ્યુલાથી નારાજ હતા. ભાજપ તેમને ૧૫ બેઠકો ઉપરાંત બે વધુ બેઠકો આપવા તૈયાર હતો, જ્યારે માંઝી ૨૦ બેઠકો ઈચ્છે છે. 

હવે નવી ફોર્મ્યુલા હેઠળ એલજેપીને ૩૮થી ૩૯ બેઠકો આપવામાં આવશે. જ્યારે ઉપેન્દ્ર કુશવાહાને ૨૩થી ૨૫ બેઠકો આપવામાં આવશે. આ બંનેની બે બે બેઠકો ઓછી કરીને માંઝીને આપવામાં આવશે.

જિતનરામ માંઝી હાલ દિલ્હીમાં જ છે અને આજે તેઓ પટણા જશે. તેઓ ૨૦ બેઠકોની માંગણીને વળગી રહ્યા છે. ભાજપના નેતાઓને માંઝીએ રવિવારે રાત્રે સ્પષ્ટ કહી દીધી હતું કે તમે જ બધી બેઠકો લડી લો, હું બહારથી ટેકો આપીશ. આમ માંઝીને ઈમોશનલ કાર્ડ ખેલ્યા બાદ ભાજપ તેને વધુ બેઠકો આપવા તૈયાર થયો હતો.

માંઝીએ જણાવ્યું હતું કે પીએમ મોદીજીને કારણે જ હું ભાજપમાં છું અને સાથે રહીશ. હું પીએમ મોદીથી પ્રભાવિત છું. એક ગરીબનો દીકરો પીએમ બન્યા છે તેનાથી ખુશ છું. દરમિયાન ભાજપના નેતા ગિરિરાજસિંહે જણાવ્યું હતું કે ગઠબંધનમાં કોઈ બાબતને લઈને હવે ટકરાવ નથી.

You might also like