મહિલાઓને સૈનિક તરીકે ફરજ આપવા ટૂંકમાં નીતિ : પારિકર

મુંબઈ : મહિલાઓને લડાયક વિમાનના પાઈલોટ તરીકે ફરજમાં મૂકવા અંગે ભારતીય વાયુદળે કરેલી દરખાસ્તના થોડાં દિવસ બાદ સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે આજે જણાવ્યું હતું કે, સશસ્ત્ર દળોમાં મહિલાઓની સૈનિક તરીકે નિમણુંક કરવા તેમનું મંત્રાલય આયોજન કરી રહ્યું છે. મુંબઈમાં વેલીંગ્કર ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ખાતે નિવૃત્ત લશ્કરી અધિકારીઓના સભ્યોને સંબોધતા પારિકરે જણાવ્યું હતું કે, સશસ્ત્ર દળોમાં મહિલાઓને યુદ્ધ સૈનિકોની ભૂમિકા કેવી રીતે સોંપવી તેની રૃપરેખા પર તેમનું મંત્રાલય કામ કરી રહ્યું છે અને આ અંગે ટૂંક સમયમાં જ નીતિ વિષયક નિર્ણય લેવાશે.

અગાઉ આ સપ્તાહની શરૃઆતમાં ઍર ચીફ માર્શલ અરૃપ રાહાએ જણાવ્યું હતું કે ભારતીય વાયુદળમં મહિલાઓનો લડાયક વિમાનોના પાઈલોટ તરીકે સમાવેશ કરવાની એક દરખાસ્ત વાયુદળે રજૂ કરી છે. વાયુદળના ૨૩મા સ્થાપના દિન નિમિત્તે રાહાએ જણાવ્યું હતું કે, વાયુદળમાં મહિલા પાઈલોટો છે જેઓ ટ્રાન્સપોર્ટ વિમાનો અને હેલિકોપ્ટરો ઉડાડે છે. ભારતમાં યુવા મહિલાઓની આકાંક્ષાઓને પૂરી કરવા માટે હવે અમે તેમનો લડાયક વિમાનોમાં સમાવેશ કરવા વિચારી રહ્યાં છીએ.

મહિલા સશક્તિકરણ વિશે બોલતાં પારિકરે જણાવ્યું હતું કે, થોડાંક લોકો અને ખાસ કરીને કહેવાતા ધર્મનિરપેક્ષ માનસિકતાવાળા લોકો આપણાં વડાપ્રધાનની બેટી બચાવો, બેટી પઢાઓ અને સેલ્ફી વીથ ગેટર જેવી પહેલને ગંભીરતાથી લેતા નથી તે ખૂબ કમનસીબ બાબત છે. તેમણે ઉમેર્યું કે જ્યારે આપણા પીએમ સેલ્ફી વીથ ડોટર પર ભાર મુકતા હોય ત્યારે તે બાબત માત્ર લૈંગિક સમાનતાના મુદ્દાને જ સ્પર્શતી નથી હોતી. પરંતુ સમાજના હાલના સ્વરૃપમાં પ્રવર્તતી લૈંગિક ઉદાસીનતા પર વધુ ભાર મૂકતી હોય છે.

પારિકર સ્વ. લેફ્ટનન્ટ દિલીપ ગુપ્તેને તેમની ૫૦મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પવા મુંબઈની મુલાકાતે હતી. ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે ૧૧ ઑક્ટોબર, ૧૯૬૫ના રોજ ગુપ્તે ૨૩ વર્ષની વયે ઓપરેશન જુરા બ્રિજમાં શહીદ થયાં હતાં.પારિકરે જણાવ્યું હતું કે તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેઓ સંરક્ષણ પ્રધાન બનશે પરંતુ દરેકની માફક તેમનો પોતાનો પણ તેમના નસીબ પર કોઈ અંકુશ નહોતો.

You might also like